Western Times News

Gujarati News

પાણી પ્રશ્રે મહિલાઓએ ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી આપી

પ્રતિકાત્મક

ધોરાજીના જમનાવડ રોડ પર પાણી પ્રશ્રે મહિલાઓમાં આક્રોશ -નગરપાલિકા વિરૂદ્ધ નારાબાજી અને ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી

ધોરાજી, ધોરાજીના જમનાવડ રોડ પર અનિયમિત પાણી મળવાને કારણે મહિલાઓએ રોષભેર નગરપાલિકા વિરૂદ્ધ નારેબાજી પોકાર હતી અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા માટે પણ ચીમકી ઉચ્ચારી હતી.

ધોરાજીના જમનાવડ રોડ પર છેલ્લા કેટલાક સમયથી અનિયમિત પાણી વિતરણ થતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ઉનાળાના સમયમાં ધોમ ધખતા તાપમાં મહિલાઓએ પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આમ પણ ધોરાજી નગરપાલિકા દ્વારા દર ચારથી પાંચ દિવસે પાણી વિતરણ થાય છે અને તેમાં પણ જો અનિયમિતતા અથવા તો ખામી સર્જાય તો ચારને બદલે આઠ દિવસે પાણી આવે છે.

જમનાવડ રોડ પર મારુતિ નગર અને આસપાસની સોસાયટીમાં અનિયમિત પાણી આવતું રહેતું હોવાથી મહિલાઓ ઉગ્ર રોષ સાથે સોસાયટીમાં એકત્રિત થઈ પોતાનો રોષ અને પોતાની વ્યથા મિડીયા કર્મીઓ સામે ઠાલવી હતી અને એકત્રિત થયેલી મહિલાઓએ જણાવ્યું હતું કે અમે અનેક વખત ધોરાજી નગરપાલીકામાં રજૂઆત કરી છે અને જે જગ્યા પરથી પાણી સપ્લાય થાય છે

ત્યાં પણ અમે રૂબરૂ જઈ પાણી નિયમિત કરવા બાબતે રજૂઆતો કરી ચૂકયા છીએ પરંતુ અમારી રજૂઆત પર નગરપાલિકા કોઈપણ પ્રકારનું ધ્યાન આપતી નથી. આથી હવે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે જેમાં જમનાવડ રોડ અને રોડ પર આવેલી વિવિધ સોસાયટીના રહીશો મતદાનથી અલિપ્ત રહેશે

અને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. એકત્રિત થયેલી મહિલાઓએ ‘નગરપાલિકા હાય હાય’ અને ‘પીવાનું પાણી આપો’ તેવા નારા બોલાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.