ગામમાં રાજકીય પક્ષોના કાર્યકરોને “નો એન્ટ્રી”: ચૂંટણી પહેલા જો રોડ નહીં તો વોટ નહીં
જંબુસરના ખાનપુર ગ્રામજનોએ રોડ પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર ગામજે જંબુસરથી આઠ કિલોમીટર દૂર આવેલ છે.
જેમાં આશરે પાંચ હજાર વસ્તી ધરાવતું ગામ છે.ગ્રામજનો તમામ વ્યવહાર જંબુસર સાથે સંકળાયેલો છે.આ ગામનો રોડ એટલો ખખડધજ થઈ ગયેલ છે કે દર્દીઓ,વૃદ્ધો,વિદ્યાર્થીઓ,વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે.વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાંય આ રોડનો પ્રશ્ન હલ થતો નથી જેને લઈ ગ્રામજનો દ્વારા માજી તાલુકા પંચાયત સદસ્ય પટેલ યુસુફ આદમવલીની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ૨૦૨૨ થી ખાનપુર જંબુસર રોડ મંજૂર કરેલ છે.ટેન્ડર પ્રક્રિયા બાદ કોન્ટ્રાક્ટ અપાયો અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ કરવા મશીનરી ગામની ભાગોળે મુકેલ તે ત્રણ માસ પછી પરત લઈ ગયા અને ફરી પાછો એ જ સિલસિલો ફક્ત ગ્રામજનોને ખુશ કરવા જ મશીનરી લાવવામાં આવે છે.કયા કારણોસર આ રોડનું કામ થતું નથી.
બે વર્ષથી મંજૂર થયેલ રોડનું કામ ન થવાથી ગ્રામજનોની ધીરજનો અંત આવેલ છે જેને લઈ આવેદનપત્ર આપ્યું હતું અને આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ચૂંટણી પહેલા જો રોડ નહીં તો વોટ નહીં તથા ગામમાં રાજકીય પક્ષોના કાર્યકરોને નો પ્રવેશ કાર્યક્રમ કરવા જણાવ્યું હતું.
આવેદનપત્ર આપવા માજી સરપંચ રસિદભાઈ સુલેમાન મચ્છીવાલા,માજી પંચાયત સભ્ય અબ્દુલભાઈ કડવા,અગ્રણી સઈદભાઈ મુસાભાઈ પટેલ, ઈલ્યાસભાઈ હાજી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.