કુલ ૩ વાર તપાસણી કરાશે અમદાવાદની બન્ને લોકસભા બેઠકોના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની
ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ચૂંટણી ખર્ચની તપાસણી માટેનું સમયપત્રક જાહેર કરાયું
અમદાવાદની બન્ને લોકસભા બેઠકો – 7-અમદાવાદ પૂર્વ તથા 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) પરના હરિફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.
અમદાવાદના બન્ને સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ઉમેદવારોના ચૂંટણી ખર્ચના રજિસ્ટરની તપાસણી માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દરેક ઉમેદવારના ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની કુલ ત્રણ વાર તપાસણી કરવાની રહે છે. અમદાવાદ લોકસભાની બે બેઠક અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની બેઠકના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની કુલ ૩ વાર તપાસણી કરવામાં આવશે. આ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ અંગે તપાસણી કરવા માટેનું સમયપત્રકની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણી અધિકારીશ્રી દ્વારા પ્રસિદ્ધ અખબારી યાદી અનુસાર ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની ત્રણ વખતની તપાસણીનું સમયપત્રક જોઈએ તો 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની સૌથી પહેલી તપાસણી તારીખ 25 એપ્રિલ, 2024ના રોજ હાથ ધરાશે, ૨૯ એપ્રિલે બીજી તપાસણી તેમજ ૩ મેના રોજ ત્રીજી વખત ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરો તપાસવામાં આવશે.
8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠકના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની તપાસણી તારીખો જોઈએ તો 26 એપ્રિલ, 2024ના રોજ પ્રથમ તપાસણી, 30 એપ્રિલે બીજી તપાસણી તેમજ 4 મેના રોજ ત્રીજી તપાસણી કરવામાં આવશે.
ચૂંટણી ખર્ચ અંગેની તપાસણી કોન્ફરન્સ હોલ, પ્રથમ માળ, જિલ્લા પંચાયત કચેરી, લાલ દરવાજા, અમદાવાદ ખાતે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને બેઠક પરના ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રીઓ દ્વારા ઉમેદવારોના ચૂંટણી ખર્ચના રજિસ્ટરોની તપાસણી કરવામાં આવશે.