પશુ-પક્ષીઓ માટે હેબિયસ કોર્પસનો ઉપયોગ કરી શકાય નહીં: હાઇકોર્ટ
અમદાવાદ, પુત્રી ઉપરાંત અપહરણ કરાયેલા, ચોરાયેલા પશુ-પક્ષીઓને છોડાવવા માટે સુરતની એક મહિલાએ હાઇકોર્ટ સમક્ષ કરેલી ‘હેબિયસ કોર્પસ’ રિટનો રસપ્રદ મામલો સામે આવ્યો છે. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય.
કોગજે અને જસ્ટિસ એસ.જે. દવેની ખંડપીઠે કહ્યું છે કે,‘પશુ-પક્ષીઓને છોડાવવા માટે હેબિયસ કોર્પસ રિટનો ઉપયોગ કરી શકાય નહીં. અરજદાર કરેલી આ રિટમાં જરૂરી સુધારો કરવો જોઇએ.’ બીજી તરફ હાઇકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારના એડવોકેટને અરજદાર મહિલાની પુત્રી સંદર્ભે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૧લી મેના રોજ મુકરર કરવામાં આવી છે.
પ્રસ્તુત કેસમાં સુરતમાં રહેતી એક મહિલાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ કરી છે. જેમાં મુખ્યત્ત્વે તેણે પોતાની પુત્રીનું અપહરણ થયું હોઇ તેને હાજર કરવાની દાદ માગી છે. તેની સાથે જ રિટમાં પોતાના પશુધન પણ ચોરાયા હોવાની દલીલ કરીને તેને છોડાવવાની દાદ પણ માગી છે.
પશુધન માટે આવી દાદ હાઇકોર્ટ સમક્ષ આવી હોય એવો આ દુર્લભ કિસ્સો છે. આ રિટની સુનાવણી દરમિયાન મહિલા વતી હાજર એડવોકેટને હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, પશુધન માટે હેબિયસ કોર્પસ રિટ કઇ રીતે જારી કરી શકાય? ત્યારે એડવોકેટે કહ્યું હતું કે,‘મહિલા તેના ચોરાયેલા પશુ-પક્ષીઓ માટે પણ માતા સમાન છે અને તેથી તેમની કસ્ટડી પરત મેળવવા માટેની માગ કરવામાં આવી છે.’
કેસની હકીકતો મુજબ, મહિલાની પુત્રીનું બે વર્ષ પહેલા અપહરણ કરી લેવાયું હતું. તે ઉપરાંત ગુંડાઓએ તેની ઝૂંપડી બાળી નાખી હતી અને તેની ગાય, ભેંસ અને મરઘીઓ પણ સાથે લઇ ગયા હતા.
આ મામલે મહિલાએ ઓગસ્ટ-૨૦૨૨ અને ફેબ્›આરી-૨૦૨૩માં બે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે તેની પુત્રી અને પશુધનને પરત લાવવા કોઇ કાર્યવાહી કરી નહોતી. તેથી હાઇકોર્ટ સમક્ષ તેણે હેબિયસ કોર્પસ અરજી કરી હતી.
હાઇકોર્ટે આ કેસની સુનાવણીમાં એવી ટકોર કરી હતી કે,‘કોર્ટ કઇ રીતે પશુ-પક્ષીઓના મુદ્દે હેબિયસ કોર્પસ રિટ જારી કરી શકે. એડવોકેટે જવાબ આપ્યો કે, અરજદાર ચોરેલા પ્રાણીઓની માતા છે.SS1MS