ગાડી પર લાલ લાઈટ લગાવી ફરવાનું સોફ્ટવેર એન્જિનીયરને ભારે પડ્યું
દિલ્હી પાસિંગની નંબર પ્લેટ પણ ખોટી હોવાનો પર્દાફાશ-ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો બોગસ અધિકારી મૂળ સોફટવેર એન્જિનિયર
અમદાવાદમાંથી ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો નકલી અધિકારી ઝડપાયો
(એજન્સી) અમદાવાદ, ક્રેટા કારમાં પોલીસની જેમ લાલબત્તી લગાવીને ફરતો બોગસ કેન્દ્રીય ગૃહ વિભાગનો ઓફિસર ઝડપાયો છે. દિલ્હી પા‹સગની બોગસ નંબર પ્લેટ કારમાં લગાવીને પશ્ચિમ બંગાળનો યુવક ગઈકાલે અમદાવાદમાં આવ્યો હતો. પોલીસને કાર પર લાગેલી સાઈરન પર શંકા જતાં તેને કોર્ડન કરીને રોકી લીધો હતો.
ત્યારબાદ સમગ્ર ભાંડો ફૂટયો હતો. યુવક સોફટવેર એન્જિનિયર છે અને અગાઉ પશ્ચિમ બંગાળમાં બોગસ પોલીસ કર્મચારી બનવાના કેસમાં પણ ઝડપાઈ ચૂકયો છે.
આચારસંહિતા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક પોલીસની ટીમો મોડી રાત્રે પેટ્રોલિંગમાં હોય છે. ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી
ત્યારે તેમણે કેન્દ્રીય ગૃહ વિભાગનો કર્મચારી હોવાનું કહીને રોફ ઝાડતા યુવકને દબોચી લીધો છે. હેલ્મેટ સર્કલથી પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કાર ઓવરટેક કરીને નીકળી હતી. દિલ્હી પા‹સગની ગાડી હતી અને તેમાં લાલ તથા વાદળી લાઈટનું હુટર લગાવ્યું હતું પોલીસ કર્મચારીઓને શંકા જતા ક્રેટા કારનો પીછો કર્યો હતો.
રોડ ઉપર ફિલ્મી દૃશ્યો સર્જાયા હતાં, જોકે સિગ્નલ બંધ હોવાના કારણે ક્રેટા કાર ઉભી રહી હતી પોલીસ વોન તરત જ ક્રેટા કારને આંતરી લીધી હતી. કારના ચાલકને પોલીસે નીચે ઉતરવાનો ઈશારો કર્યો હતો, જેથી તે નીચે ઉતર્યો હતો કારચાલકનું નામ સોરીન બોઝ છે અને તે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. હાલ તે દિલ્હી ખાતે રહે છે અને અમદાવાદના ગોયલ ટાવરમાં રહેતા તેના મિત્રને મળવા માટે આવ્યો હતો.
પોલીસ કર્મચારીઓએ કાર ઉપર સાઈરન લાઈટ લગાવવાનું કારણ પૂછતાં સોરીને જવાબ આપ્યો હતો કે તે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. હોમ ડિપાર્ટમેન્ટનું નામ આવતાંની સાથે જપોલીસ કર્મચારીઓએ તેની પાસે આઈકાર્ડ માગ્યું હતું. સૌરીન પાસે તે હોમ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હોવાનું કોઈ આઈકાર્ડ હતું નહી, જેથી તેની અટકાયત કરી લેવામાં આવી હતી.
પોલીસે દિલ્હી પાસિંગની કારનું ચેકિંગ કર્યું તો તે પણ ખોટું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ગાડી સૌરીનની નહીં, પરંતુ નવી દિલ્હીમાં રહેતા અન્ય કોઈ શખ્સની છે. સૌરીન કારમાં પણ ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતો હતો અને પોલીસ હોવાનો વહેમ મારતો હતો. પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર સૌરીન ગઈકાલે જ અમદાવાદ આવ્યો હતો. તેની પત્નીના પ્રોબ્લેમ હોવાથી તે આવ્યો હોવાનું સામે આવ્યું છે. સૌરીન સોફટવેર એન્જિનિયર છે અને હાલ તે દિલ્હીમાં નોકરી કરે છે.