Western Times News

Gujarati News

અમદાવાદની આસપાસ નર્મદા કેનાલ રોડ પર ફરતાં હોવ તો ચેતી જજો

પ્રતિકાત્મક

બિલ્ડર અને મંગેતર વીડિયો ક્લિક કરતા હતા ત્યારે લૂંટારુઓ ત્રાટક્યા-લગભગ સૂર્યાસ્તના સમયે આ ઘટના બની અને કપલ સ્તબ્ધ થઈ ગયું હતું

(એજન્સી)અમદાવાદ, અડાલજ પોલીસ સ્ટેશનમાં સિંધુ ભવન રોડ પર રહેતા બિલ્ડર સાથે વિચિત્ર ઘટના બની હતી. તે પોતાની મંગેતર સાથે ગાંધીનગરના રૂટ પર આવેલી નર્મદા કેનાલ છે ત્યાં લોન્ગ ડ્રાઈવ પર ગયા હતા.

જ્યાં ફોટોશૂટ અને વીડિયો શૂટ કરતા સમયે રવિવારે અચાનક ૨ ગઠિયાઓ બાઈક પર તેમની પાસે આવ્યા અને હાથમાં ચપ્પુ બતાવીને ધમકાવવા લાગ્યા હતા. એટલું જ નહીં આ કપલને જાનથી મારી નાખવાની ધમકી આપી આ લોકોએ લૂંટ ચલાવતા જોવાજેવી થઈ હતી. લગભગ સૂર્યાસ્તના સમયે આ ઘટના બની અને કપલ સ્તબ્ધ થઈ ગયું હતું.

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા શાંતિનિકેતન બંગ્લોઝના રહેવાસી ૨૬ વર્ષીય સૃજલ દેવાણી સાથે આ ઘટના બની છે. તેઓ રિયલ એસ્ટેટની કંપની ચલાવે છે અને હમણા થોડા સમય પહેલા જ તેમની સગાઈ થઈ હતી. તેમની મંગેતર અંકલેશ્વર વિસ્તારમાં રહે છે. તેવામાં રવિવારે સાંજે બિલ્ડર તેમની મંગેતર સાથે જીય્ રોડ પર લોન્ગ ડ્રાઈવ પર નિકળ્યા હતા.

ત્યારપછી તેમને ફોટોશૂટ અને વીડિયોશૂટ માટે નર્મદા કેનાલ તરફ જવાનું પસંદ કર્યું હતું. અહીં બંને એકબીજાના ફોટો ક્લિક કરી આપતા હતા અને પછી વીડિયોઝ પણ શૂટ કરતા હતા. ત્યાં નજીકમાં એક રેલવે બ્રિજ છે તેની આસપાસ લગભગ ૬ વાગ્યે ૨ લોકો બાઈક લઈ અને આ કપલ પાસે આવ્યા હતા.

બાઈક ચાલક બંને યુવકો અંદાજે ૨૫ વર્ષના હોવાની માહિતી મળી રહી છે. તેમણે બાઈક રોકી અને બાદમાં બિલ્ડરને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો. ત્યારે તેણે કહ્યું કે અમે જ્યાંથી આવ્યા હોય ત્યાંથી હવે તારે શું કામ છે? તો તરત જ એક બાઈક ચાલકે ચપ્પુ કાઢ્યું અને કીધુ કે વધારે બોલવા લાગ્યા છો તમે. ત્યારપછી તેણે કહ્યું કે જો જીવ વ્હાલો હોય તો એક કામ કર તારો મોબાઈલ ફોન મને આપી દે.

ત્યારપછી બિલ્ડરે તેનો ફોન આપી દીધો અને બાદમાં આ બંને શખસોએ રૂપિયા પણ માગ્યા હતા. જોકે આ સમયે બિલ્ડરે કહ્યું કે મારી પાસે કેશ નથી તો તેમણે ગોલ્ડની ચેઈન પરાણે માંગી અને બિલ્ડરની મંગેતરે તે ડાયમંડનું કડુ અને ગોલ્ડ નેકલેસ પહેર્યું હતું તે પણ માગી લીધું હતું.ગઠિયાઓએ ત્યારપછી બંનેની ગાડીની ચાવી લઈ લીધી અને દૂર જઈને ફેંકી દીધી હતી. જોકે બિલ્ડરની મંગેતર તેના ફોનમાં આ બંનેનો ફોટો ક્લિક કરી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.