મહેસાણાના જોરણંગની સીમમાંથી કિક્રેટ સટ્ટો રમાડતા બે ઝડપાયા
મહેસાણા એલસીબીએ રૂ.૧.ર૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ઃ બે ગ્રાહકો અને બે આઈડી આપનારા વોન્ટેડ
મહેસાણા, મહેસાણા એલસીબીએ જોરણંગ ગામની સીમમાં ટયુબવેલ પરથી મોબાઈલની મદદથી ક્રિકેટ સટ્ટો રમાડતા બે જણાંને ઝડપી લીધા હતા. રૂ.૧.ર૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા બે તેમજ બે ગ્રાહકો અને આઈડી આપનારા બે સહિત કુલ છ જણાં સામે લાંઘણજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
કલોલ તાલુકાના ધમાસણાનો પટેલ તેજસ જશુભાઈ તથા કડીના વડપુરાનો પટેલ નાગેશ રણછોડભાઈ બન્ને જણાં મહેસાણાના ધનપુરાના પટેલ નીરવ દિનેશભાઈના જોરણંગ ગામની સીમમાં આવેલા ટ્યુબવેલ પરથી હાલમાં ચાલતી આઈપીએલ ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ ઉપર મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટાની એપથી સટ્ટો રમાડતા હોવાની બાતમી મહેસાણા એલસીબીના કોન્સ્ટેબલ જસ્મીનકુમાર અને સંજયકુમારને મળી હતી
જેથી પીઆઈ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એમ.ગેહલાવત સહિત ટીમે જોરણંગની સીમમાં ટયુબવેલ પર રેડ કરીને પટેલ તેજસ અને પટેલ નાગેશને મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટાની આઈડી રાખી આઈડી મારફત આઈપીએલ ર૦-ર૦ મેચ ઉપર ગ્રાહકોને ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા ઝડપી લીધા હતા અને રૂ.૧.ર૦ લાખના બે મોબાઈલ જપ્ત કર્યા હતા.
આઈડીમાં જોડાયેલા ગ્રાહકો કાળુભાઈ ભરતભાઈ પટેલ (કલોલ) તથા કે.કે.પટેલ (કલોલ), આઈડી આપનારા મૌલિક નટુભાઈ પટેલ (ધમાસણા, તા.કલોલ) અને વિશાલ ઠાકોર (વડપુરા, તા.કડી) તેમજ ઝડપાયેલા બન્ને વિરૂદ્ધ લાંઘણજ પોલીસ મથકે જુગારધામ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.