રાજયમાં હનુમાન જ્યંતિની ઉજવણી મંદિરોમાં ધામધુમથી થઈ
ભરૂચજિલ્લામાં હનુમાન જ્યંતિની મંદિરોમાં ધામધુમથી ઉજવણી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં રામ નવમી બાદ હનુમાન જંયતિની ઉજવણી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે અને ભરૂચ જીલ્લાના હનુમાન મંદિરોમાં હનુમાનજીને વિશેષ શણગાર સાથે હનુમાન ચાલીસા,સુંદરકાંડ સહિત ભજન અને ભંડારાના આયોજન કરવામાં આવતા હનુમાનજી મંદિર પણ ભક્તોથી ઉભરાઈ ઉઠયા હતા.
ભરૂચના રોકડીયા હનુમાન મંદિર કસક નર્મદા નદીના કાંઠાએ આવેલું છે અને આ મંદિરને પૌરાણિક માનવામાં આવે છે અને આ મંદિરે પાણીમાં તરી શકે તેવો પથ્થર નર્મદા નદીના પુરમાં આવ્યો હતો અને આજે પણ આ પથ્થરની પૂજા અર્ચના ભક્તો કરી રહ્યા છે.રોકડીયા હનુમાન મંદિરે હનુમાન જ્યંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જેના ભાગરૂપે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે ૧૧,૧૧૧ મોતીચુર ના લાડુનો ભોગ ધરાવી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર ઉભુ કર્યું હતું.સવારથી જ રોકડીયા હનુમાન મંદિરે ભક્તો દર્શન અર્થે ઉમટી પડયા હતા અને મંદિરમાં મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાન મંદિર પણ ૬૦૦ વર્ષ પુરાણું છે અને આ મંદિરમાં નાના મોટા સાત હનુમાન જી સ્થાપિત છે સાથે આ મંદિર નજીક એક પાતાળ કૂવો આવેલો છે.જેમાં હનુમાનજી બિરાજમાન હોવાનું માનવામાં આવે છે અને હનુમાનજીને ચઢાવાતું તેલ પાતાળ કુવામાં જતું હોવાના કારણે ભીડભંજન હનુમાન મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે
અને હનુમાન જ્યંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર તુલસીધામ વિસ્તરમાં પણ કષ્ટભંજન હનુમાન મંદિર આવેલું છે અને આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.હનુમાન જયંતિ નિમિત્તે મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને સવારથી જ ભક્તોએ હનુમાનજીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી.