ચૂંટણી પંચે BJP અને કોંગ્રેસને નોટિસ આપી શું જણાવ્યું?
સ્ટાર પ્રચારકોના વર્તનની જવાબદારી પાર્ટીની રહેશે -રાહુલ ગાંધી પર ભાજપે અને નરેન્દ્ર મોદી પર કોંગ્રેસે આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો
(એજન્સી)નવીદિલ્હી, ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ આૅફ કન્ડક્ટ’ના કથિત ઉલ્લંઘનની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને નોટિસ પાઠવીને ૨૯ એપ્રિલે સવારે ૧૧ વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.
ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૭૭ લાગુ કરી અને પક્ષ પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા. આ અંતર્ગત, પ્રથમ પગલા તરીકે, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગના આરોપોનો અનુક્રમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જુન ખડગે પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આમાં તેમને ૨૯ એપ્રિલ સુધીમાં જવાબ આપવા અને તેમના સ્ટાર પ્રચારકોને આચારસંહિતાનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓનાં ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.
ભાજપપાર્ટીએ સોમવારે ચૂંટણીપંચને કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશમાં ગરીબી વધવાના ખોટા દાવા કરી રહ્યા છે. ભાષાના આધારે દેશને ઉત્તર-દક્ષિણમાં વહેંચવામાં આવી રહ્યો છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
કોંગ્રેસ પાર્ટીએ ‘સંપત્તિની વહેંચણી’ પર પીએમ મોદીના નિવેદન પર કાર્યવાહી કરવા માટે સોમવારે પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી, ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનાર ગણાવ્યું હતું.
ચૂંટણીપંચ તરફથી કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. જે રીતે ભાજપ ધર્મનો ઉપયોગ કરી રહી છે, એમ કહીએ કે દુરુપયોગ કરી રહી છે. તે ખૂબ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.
બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનની ચૂંટણીપંચે તપાસ શરૂ કરી છે. પીએમ મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે. પીએમએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે દેશનાં સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે.
પીએમના આ નિવેદન સામે કોંગ્રેસ અને સીપીઆઈ-એમએ ચૂંટણીપંચમાં અલગ-અલગ ફરિયાદ કરી હતી. કોંગ્રેસે ચૂંટણીપંચને પીએમ મોદીના ‘સંપત્તિની વહેંચણી’ પરના નિવેદન પર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી, ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનારું ગણાવ્યું હતું.
એ જ સમયે સીપીઆઈ (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ એક પોસ્ટમાં ચૂંટણીપંચને આ ફરિયાદ પર ધ્યાન આપવા અને પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમણે આ કેસમાં હ્લૈંઇ નોંધવાની પણ માગ કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ અલગ-અલગ જગ્યાએ ગરીબી વધવાનો દાવો કરી રહ્યા છે. તેમણે ૧૧ એપ્રિલે રાજસ્થાનના બિકાનેરમાં કહ્યું હતું કે ભારતના ૭૦ કરોડ લોકો કરતાં ૨૨ લોકો અમીર છે.
તેમણે એમ પણ કહ્યું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો ગરીબી એક જ ઝાટકે ખતમ થઈ જશે. રાહુલના આ નિવેદન પર ભાજપે નીતિ આયોગના રિપોર્ટને ટાંકીને કહ્યું કે મોદી સરકારના કાર્યકાળમાં લગભગ ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે. આવી સ્થિતિમાં રાહુલ ગરીબી વધવાનો ખોટો દાવો કરી રહ્યા છે.