રાહુલ ગાંધી, હેમા માલિની સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં સીલ થશે
દેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૮૮ બેઠક પર આજે મતદાન
(એજન્સી)નવીદિલ્હી, દેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ ૮૮ બેઠક ઉપર શુક્રવારે મતદાન થવાનું છે. આ તબક્કા હેઠળ કેરળના વાયનાડમાં પણ મતદાન થવાનું છે. આ બેઠક પરથી રાહુલ ગાંધી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. અહીં તેમનો મુકાબલો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા એની રાજા સાથે થશે.
પરંતુ આ સમય દરમિયાન તમામની નજર ઉત્તર પ્રદેશની બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠી પર રહેશે. વાસ્તવમાં આ બંને સીટો માટે નોમિનેશન ૨૬ એપ્રિલથી શરૂ થશે. સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીટો પર ઉમેદવારીની જાહેરાત પહેલા પ્રિયંકા અને રાહુલ અયોધ્યા જઈને રામ લલ્લાના દર્શન કરી શકે છે.
કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આ બંને બેઠકો પરથી ચૂંટણી લડી શકે તેવી પૂરી સંભાવના છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે આ બંને બેઠકો અંગે ઔપચારિક જાહેરાત ૩૦ એપ્રિલ પહેલા કરવામાં આવશે નહીં. કોંગ્રેસના નેતાઓએ પણ આ બે બેઠકો પર રાહુલ અને પ્રિયંકાની સંભવિત ઉમેદવારી અંગે કંઈ કહ્યું નથી.
સૂત્રોનું એમ પણ કહેવું છે કે અમેઠી અને રાયબરેલી જતા પહેલા રાહુલ અને પ્રિયંકા અયોધ્યા જઈ શકે છે, જ્યાં તેઓ રામ લલ્લાના દર્શન કરશે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ સંકેત આપ્યો છે કે જો રાહુલ અને પ્રિયંકા આ બેઠકો પરથી ચૂંટણી લડવાનું નક્કી કરે છે, તો આ બેઠકો પર ૧ અને ૩ મેના રોજ નામાંકન થઈ શકે છે. અહીં નોમિનેશનની છેલ્લી તારીખ ૩ મે છે.
યુપી કોંગ્રેસની ટીમને ૧લી મેની સંભવિત તારીખ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ૧ મેના રોજ અમેઠીમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. રાહુલ ગાંધી બે વખત અમેઠીથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાયબરેલીથી સતત જીતનો ઝંડો લહેરાવી રહ્યાં છે. ૨૬ એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળની તમામ ૨૦ બેઠકો,
કર્ણાટકની ૨૮માંથી ૧૪ બેઠકો, રાજસ્થાનની ૧૩ બેઠકો, મહારાષ્ટ્રની ૮ બેઠકો, ઉત્તર પ્રદેશની ૮ બેઠકો, મધ્ય પ્રદેશની ૭ બેઠકો, આસામની ૫ બેઠકો, બિહારની ૫ બેઠકો, છત્તીસગઢની ૩ બેઠકો, પશ્ચિમ બંગાળની ૩ બેઠકો, મણિપુરની એક, ત્રિપુરાની એક તથા જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં રાહુલ ગાંધી, અરુણ ગોવિલ, શશિ થરુર, હેમા માલિની સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ થશે.