AMC એ શારદાબેન હોસ્પિટલના RMOને નોટિસ કેમ ફટકારી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની કાળજી લેવામાં આવતી નથી જેના પગલે મ્યુનિ. સત્તાધીશો દ્વારા ભવિષ્યમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ૭ તારીખે મતદાનના દિવસે યુવા વર્ગ વધુ પ્રમાણમાં મતદાન કરે તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગ એટલે કે ટ્રોમા સેન્ટરમાં સારવાર લેવા માટે ગયેલા ઇજાગ્રસ્ત દર્દીને એક કલાક સુધી તાત્કાલિક સારવાર મળી નહોતી. દર્દીને શરીરના ભાગે ઇજા થઈ હોવા છતાં પણ કોઈપણ ડોક્ટર કે હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દી પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું.
જેને લઈને રજૂઆત કરવામાં આવતા હોસ્પિટલના મેડિકલ ઓફિસરને નોટિસ આપી આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે. ઇમરજન્સી ટ્રોમા સેન્ટર હોવા છતાં પણ જો ત્યાં દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં ન આવતી હોય તો સામાન્ય વિભાગોમાં કેવી રીતે સારવાર આપવામાં આવતી હશે તેને લઈ સવાલ ઉભા થયા છે.
શહેરમાં કેટલાક વિસ્તારોમાં સફાઈને લઈ ફરિયાદો ઉઠતા વિવિધ જગ્યાએ સફાઈ કરવા માટેની સૂચના આપી છે. દરેક રોનમાં અને વોર્ડમાં નિયમિત રીતે કચરો ઉપાડી લેવામાં આવે જેના કારણે સ્વચ્છતા જળવાઈ રહે. ડોર ટુ ડોર ગાડીઓ દ્વારા સોસાયટી અને ફ્લેટોમાંથી જે કચરો એકત્રિત કરવામાં આવે છે. જે નિયમિત રીતે રોજબરોજ લેવામાં આવે તેના માટે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
શહેરમાં આવેલા કેટલાક તળાવમાં પાણી ભરાયેલું છે. જેમાં માછલીઓના મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તાજેતરમાં જ ૧૫ દિવસ પહેલા નારોલ વિસ્તારમાં તળાવમાં માછલીઓના મૃત્યુ થયા હતા. ગત વર્ષે પણ ઘુમા તળાવમાં માછલીઓના મૃત્યુ થયા હોવાની ઘટના બની હતી. તળાવમાં રહેલી માછલીઓના મૃત્યુ થતા હોવાને લઈ હવે પાણીમાં એરસ્ટર મૂકવા અંગેની સૂચના આપવામાં આવી છે. જેના કારણે પાણીમાં વાઇબ્રેશન થાય અને ઓક્સિજન મળી રહે જેથી માછલીઓના મૃત્યુ થતાં અટકશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી ૭ મીના રોજ યોજનારા મતદાનને લઈને લોકોમાં મતદાન માટે જાગૃતિ આવે તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રહેલા ટેક્સ ધારકોના મોબાઈલ પર મતદાન કરવા અંગેનો મેસેજ કરવામાં આવશે.
સોસાયટીઓમાં જતી ડોર ટુ ડોર કચરાની ગાડી મારફતે પણ મતદાનની જાગૃતિ અંગે વોઇસ મેસેજ આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના ર્હોડિંગ્સ વગેરે જગ્યાએ મતદાન માટેના બોર્ડ લગાવવામાં આવશે. આમ લોકોમાં વધુમાં વધુ મતદાન માટે જાગૃતિ આવે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.