હવે અમદાવાદથી રાજકોટ માત્ર 2 કલાકમાં પહોંચી જવાશે! સરકાર બનાવી રહી છે યોજના
(એજન્સી)રાજકોટ, કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રાજકોટની એક દિવસીય મુલાકાતે છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સંવાદ વિકસિત ભારત ૨૦૪૭ કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે હાજરી આપી હતી. ત્યારે રાજકોટના ઉદ્યોગપતિઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી હતી.
વાતચીત દરમિયાન તેમણે વિકસિત ભારત ૨૦૪૭ ના રોડ મેપને લઈને પણ સરકારની કામગીરી અંગે માહિતી આપી હતી. તો સાથે જ આગામી સમયમાં વંદે ભારત બાદ વંદે સ્લીપર અને વંદે મેટ્રો ટ્રેનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાની વાત પણ જણાવી હતી.
કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંબોધનમાં આગામી સમયમાં રાજકોટથી વડોદરા જવા માટે અમદાવાદ નહીં જવું પડે તે પ્રકારની માહિતી પણ તેમણે આપી હતી. આ અંગે વાતચીત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રાજકોટથી વડોદરા જવા માટે અમદાવાદની બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ભૂમિ અધિગ્રહણ બાબતે પણ કામકાજ ચાલી રહ્યું છે.
આગામી સમયમાં ટ્રેનની સ્પીડ પણ વધારવા કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રાજકોટથી અમદાવાદ સુધીની યાત્રા માત્ર બેથી સવા બે કલાકમાં પૂર્ણ થાય તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૂચના આપવામાં આવી છે.
હાલ રાજકોટ કે અમદાવાદ તરફથી હરિદ્વાર કે અયોધ્યા જવા માટે દિલ્હી થઈને જવાની ફરજ પડે છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદ બાયપાસની જેમ દિલ્હીનો બાયપાસ પણ બનાવવામાં આવ્યો છે.