સોશિયલ મીડિયામાં મતદાન કરવાનું નથી તેવા મેસેજ વાયરલ થતાં ચૂંટણી તંત્રની ચિંતામાં વધારો
નવસારી, બારડોલીમાં મતદાન કરાવવા ચૂંટણી તંત્ર સામે હવે નવો પડકાર !
સુરત, સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ સુરતીઓએ મતદાન કરવાનું નથી તેવા મેસેજનો મારો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચૂંટણી તંત્રની ઉંઘ બગડી છે. સુરત શહેરના લાખો મતદારોએ તેના મતવિસ્તાર મુજબ નવસારી અને બારડોલી બેઠકમાં મતદાન કરવાનું રહે છે જેના કારણે ચૂંટણી તંત્ર સામે બન્ને બેઠકો માટે મતદાન કરાવવા માટે નવેસરથી અભિયાન ચલાવવાનો નવો પડકાર આવી ચઢયો છે.
આ પાછળનું કારણ સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજયી બન્યા છે. સુરત લોકસભા બેઠકના ૧૮.૦૮ લાખ મતદારો આગામી ૭મીએ મતદાનથી વંચિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરનું સીમાંકન મુજબ જિલ્લાની નવ વિધાનસભાના ઉમેદવારો નવસારી અને બારડોલી બેઠકમાં આવે છે.
સુરત જિલ્લામાં બારડોલી લોકસભાના ૧પ.ર૪ લાખ અને નવસારી બેઠકના ૧૪.૧૬ લાખ મતદારો મળીને કુલ ર૯.૪૦ લાખ લોકો ૭મીએ મતદાન કરશે. આથી જે પ્રકારે સુરતીઓએ મતદાન કરવાનું નથી તેવા વાયરલ મેસેજથી તંત્રની ઉંઘ ઉડી છે. તંત્ર સામે નવસારી અને બારડોલીના સુરતની અલગ અલગ વિધાનસભામાં વસતા મતદારોએ મતદાન કરવાનું છે તે જાગૃતિ અભિયાન ચલાવવાનો પડકાર આવ્યો છે.
બારડોલીમાં લોકસભામાં સુરત જિલ્લાની કામરેજ, માંડવી, માંગરોળ, મહુવા અને બારડોલી વિધાનસભાનો સમાવેશ થાય છે તો નવસારી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી વિધાનસભાનો સમાવેશ થાય છે. સુરતની નવ વિધાનસભાના મોટી સંખ્યામાં મતદારો નવસારી અને બારડોલીમાં આવતા હોય સુરતીઓએ મતદાન કરવાનું નથી તે મેસેજથી મોટી ઉહાપોહ મચી છે.
માત્ર સુરતના ઓલપાડ, સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, કરંજ, કતારગામ, વરાછા, સુરત ઉત્તર બેઠકના મતદારોએ આગામી સાતમી મે એ મતદાન કરવાનું નથી. બાકી નવ વિધાનસભા બેઠકના મતદારોએ જે તે લોકસભા બેઠક માટે મતદાન કરવાનું છે.