Western Times News

Gujarati News

મોટી રોકડ રકમ લઈને મુસાફરી કરતા હોવ તો ચેતી જજોઃ આવું પણ થઈ શકે છે

દાહોદનો વેપારી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી રૂ.૨૭ લાખ સાથે ઝડપાયો -રેલ્વે પોલીસે વેપારીની અટકાયત કરી ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટને જાણ કરી વધુ તપાસ આરંભી

(પ્રતિનિધિ) ભરૂચ, લોકસભાની ચૂંટણી વચ્ચે દાહોદનો સોપારીનો વેપારી બેગમાં રોકડા ૨૭ લાખ સાથે ભરૂચ રેલ્વે પોલીસના હાથે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ઝડપાઈ ગયો હતો.જેની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ રેલ્વે પોલીસે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી રૂપિયા ૨૭ લાખ રોકડા સાથે એક ઈસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. હરિદ્વાર – વલસાડ ટ્રેન માંથી અંક્લેશ્વર સ્ટેશન પર એક વ્યક્તિ બેગ સાથે ઉતરતા તેની શંકાસ્પદ હિલચાલથી રેલ્વે પોલીસે તેને ઊભો રાખી તલાસી લીધી હતી.

તેની બેગ માંથી ૫૦૦-૫૦૦ ની નોટોના બંદલ મળી કુલ રોકડા ૨૭ લાખ મળી આવ્યા હતા.તેની પ્રાથમિક પૂછતાછ કરતા તે મૂળ દાહોદનો યોગેશ ટેકચંદ પ્રીતમાણી હોવાનું બહાર આવ્યું હતું.તેમજ તે સોપારીનો વેપારી હોવાનું અને અંકલેશ્વરમાં કોઈ વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનું પણ જણાયું હતું. ચૂંટણીને અનુલક્ષી સઘન વાહનચેકિંગના કારણે લોકો હવે લાખો રૂપિયાની માતબર રકમ લઈને ટ્રેનમાં ફેરાફેરી કરી રહ્યાં છે.

દાહોદનો વેપારી ૨૭ લાખ પોતાના હોવાની કબૂલાત કરી રહ્યો છે ત્યારે આ રૂપિયા કયાંથી લાવ્યા કોને પહોંચાડવાના હતાં તેની તપાસ બાદ જ વધુ ખુલાસા થશે.જોકે રેલ્વે પોલીસે હાલ ૪૧(૧) ડી મુજબ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી છે.આગળની તપાસ રેલ્વે પીએસઆઈ જે.બી મીઠાપર ચલાવી રહ્યા છે.

ચૂંટણીનું જાહેરનામુ બહાર પડતાંની સાથે કોઈપણ વ્યકતિ પોતાની પાસે ૫૦ હજારથી વધુની રોકડ રકમ રાખી શકશે નહિ અને રાખશે તો તેના પુરાવા આપવા પડશે તેવી સૂચના આપી હતી.દાહોદના વેપારી પાસેથી મળેલાં રૂપિયા ૨૭ લાખ અંકલેશ્વરમાં કોને આપવાના હતાં તેની તપાસ શરૂ કરાઈ છે. ટેકસ ચોરીનો પણ મામલો લાગતો હોવાથી ઈન્કમટેકસ વિભાગને જાણ કરાઈ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.