રણજી ટ્રોફીમાં 10 મેચ રમનાર ખેલાડીઓને BCCI આપી શકે છે 1 કરોડ સુધીનો વાર્ષિક પગાર
BCCIએ અગરકરની પસંદગી સમિતિને અમલીકરણ અંગે સૂચનો આપવાનું કામ સોંપ્યું
(એજન્સી)મુંબઈ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્થાનિક ક્રિકેટરો માટે મોટી જાહેરાત કરી છે. જે ખેલાડીઓ આઈપીએલમાં નથી રમી રહ્યા તેમના માટે બીસીસીઆઈ એક ખાસ પ્લાન પર વિચાર કરી રહી છે. વાસ્તવમાં સ્થાનિક ખેલાડીઓના પગારમાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર રણજી ટ્રોફીની સિઝનમાં ૧૦ મેચ રમનાર ખેલાડી ૭પ લાખથી ૧ કરોડ રૂપિયા કમાઈ શકે છે.
અત્યાર સુધી એક અનુભવી સ્થાનિક ક્રિકેટર રણજી સિઝનમાં લગભગ રપ લાખ રૂપિયા કમાઈ શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ અજીત અગરકરની પસંદગી સમિતિને તેના અમલીકરણ અંગે સૂચનો આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. અહેવાલો કહે છે કે, બીસીસીઆઈ માને છે કે સ્થાનિક ક્રિકેટરોની ફી ઓછામાં ઓછી બમણી હોવી જોઈએ. બોર્ડ રણજી ટ્રોફીની ૧૦ મેચ રમનારા ખેલાડીઓને ૭પ લાખ રૂપિયાથી લઈને ૧ કરોડ રૂપિયા સુધીનો વાર્ષિક પગાર આપી શકે છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં અનુભવના આધારે પગાર આપવામાં આવે છે. બીસીસીઆઈ ૪૦થી વધુ રણજી મેચ રમનારા ખેલાડીઓને ૬૦,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસ, ર૧થી ૪૦ મેચ રમનારાને પ૦,૦૦૦ રૂપિયા અને ર૦ મેચ રમનારાને ૪૦,૦૦૦ રૂપિયા આપે છે જ્યારે સિનિયર ક્રિકેટરોની ટીમ ફાઈનલમાં પહોંચે તો તેને રપ લાખ રૂપિયા મળે છે જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ ૧૭ લાખથી રર લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.
બીસીસીઆઈ છેલ્લા કેટલાક સમયથી રેડ બોલ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ પર વિચાર કરી રહી છે. બીસીસીઆઈએ તાજેતરમાં લાલ બોલના ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ટેસ્ટ ક્રિકેટમાં પ્રોત્સાહક યોજના શરૂ કરી છે.