અતિવૃષ્ટિ અને મોંઘવારીની અસર પોંકને પણ નડી
શિયાળાની સાથે જુવારની વાની પોંકનું બજારમાં આગમન. : ગત વર્ષ કરતાં પોંકના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો.
ભરૂચ: ધીમી ગતિએ શરૂ થયેલા શિયાળાની સાથે-સાથે ગુલાબી ઠંડીની અસર વચ્ચે લોકો તેમનો શિયાળાનો મનગમતું અને શ્રેષ્ઠ વ્યંજન એવા પોંકનું આગમન થઈ ચૂક્યું છે. ભરૂચમાં શહેર અને નેશનલ હાઈવે પર અનેક સ્થાનો પર પોંકની હાટડીઓ ખુલી ચૂકી છે. આ વખતે ચોમાસા દરમિયાન થયેલી અતીવૃષ્ટિ, મંથર ગતિએ આગળ વધતો શિયાળો અને મોંઘવારી આ ત્રણેની અસર પોંકના બજારમાં જોવા મળે છે. ગતવર્ષ કરતા આ વર્ષે પોંકનો પાક ઓછો ઉતરવાની સંભાવનાને લઈ તેના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો જોવા મળે છે. આમ છતાં પણ પોંકની શરુઆત થતા જ પોંકના રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે.
ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં શિયાળાના ચાર મહિના દરમિયાન શ્રેષ્ઠ વ્યંજન એવા જુવારની વાનીના પોંકને લોકો મન ભરીને આરોગતા હોય છે. જુવારની વાનીને ભઠ્ઠીમાં શેકી તેને ઝુડી કાઢેલો નરમ અને મોતીના દાણા જેવો ચમકતો લીલોછમ પોંકને સાથે ખાટી અને તીખી તમતમતી રતલામી સેવ ભેળવીને ખાવાની લિજ્જત જ કંઈક ઓર હોય છે.
શિયાળાની સાથે ભરૂચમાં પોંકના રસિયાઓ માટે તેનું આગમન થઈ ચૂક્યું છે. ભરૂચ શહેર અને નેશનલ હાઈવે પર સરદાર બ્રીજના દક્ષિણ છેડાથી અંકલેશ્વર સુધી અને ઉત્તરે નર્મદા ચોકડીથી પાલેજ તરફના હાઈવે પર અનેક સ્થળે પોંકની હાટડીઓ ખુલી ચૂકી છે. જ્યાં ધીમે ધીમે પોંકના રસિયાઓનો ધસારો વધતો જશે. જોકે આ વર્ષે મીઠા પોંકની લિજ્જત થોડી મોળી થઈ જાય તેવા એંધાણ વર્તાય છે. કારણ કે જુવારના પાકને પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ ઓછી ઠંડી તથા મોંઘવારીનું ગ્રહણ નડ્યું છે.
અતિવૃષ્ટિના કારણે જુવારના વાવેતરને અસર થઈ છે. જ્યારે ઠંડી ઓછી હોવાથી જોઈએ તે પ્રમાણ જુવારના ડુંડાઓ તૈયાર થયા નથી. બીજીબાજુ આર્થિક મંદની અસર પણ પોંકને થઇ રહેલ જોવા મળી છે. પરિણામે પોંકમાં ૨૦-૩૦ ટકાનો ભાવવધારો જોવા મળી રહેલ છે. ગતવર્ષે એક કિલોના રૂા.૪૦૦ની આસપાસ પોંકનો ભાવ હતો. પરંતુ આ વર્ષે પોંકના ભાવ રૂા.૪૮૦ની આસપાસ જોવા મળે છે અને તેમાં પણ શિયાળો બરાબર જામતા ૫૦૦ને પાર કરે તો નવાઈ નહિં. ભરૂચના પોંકના વેપારી એવા જુના કાંસિયાના રાકેશ પટેલના કહેવા મુજબ અગાઉના વર્ષોમાં તેઓ રોજનો ૧૫૦ કિલો ડુંડાઓ લાવતા અને તેનું વેચાણ થઈ જતું
પરંતુ આ વર્ષે સીઝન અનુકૂળ ન હોય પાક ઓછો થવાથી અને ભાવ વધારે હોવાથી રોજના પ૦ કિલો ડુંડા લાવે છે. તેમના કહેવા મુજબ પહેલા ઝઘડીયાનો વાનીનો પોંક વખણાનો આ ઉપરાંત કરજણ પંથક નવસારી અને સુરત ત્યાંથી પણ જુવારના ડુંડા આવતા પરંતુ કાંસિયા ખાતે જ જુવારની ખેતીમાં વધારો થયો છે અને ત્યાંનો પોંક પણ હવે વખણાય છે.
ઉલ્લેખનીય છે કે વાનીનો પોંક શિયાળા દરમિયાન ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક વ્યંજન ગણાય છે. પોંકમાં ઉત્તમ પ્રકારનું પ્રોટિન હોય છે જે ઘણું સુપાચ્ય છે અને તેમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. પોંક લીલો અને તાજો હોવાથી સરળતાથી પચી જાય છે. શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારી શરદી સામે રક્ષણ પણ આપે છે. ડાયાબીટીસ હાર્ટડિસીઝ કોલેસ્ટોરેલ અને ઓબિસીટી જેવી સમસ્યાઓમાં પણ પોંક સરળતાથી ખાઈ શકાય છે અને તેના ફાયદા પણ મળતા હોય છે. એટલે ગુજરાતીઓનું મનપસંદ વ્યંજન કહેવાય છે.