Western Times News

Gujarati News

“જમીનદારી પ્રથા નાબૂદી” જેવા પગલા લેવાયા હતાં: પરંતુ એનો અર્થ એવો નથી કે તમામ મિલકત સરકાર લઈ લેશે ?!

બંધારણનો હેતુ સામાજીક પરિવર્તન લાવવાનો હતો અને અમે એમ ન કહી શકીએ કે એકવાર મિલકત ખાનગી થઈ ગઈ તે પછી કલમ-૩૯(બી) નો કોઈ ઉપયોગ થતો નથી – ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ !!_

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે જેમાં મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસીએશન વિરૂધ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો કેસ ચાલી રહ્યો છે !! સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના વડપણ હેઠળની બંધારણીય બેન્ચના ૯ ન્યાયાધીશો સૂચાવણી કરી કહ્યા છે !!

આ કેસમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધંનજયભાઈ ચંદ્રચુડે એવું અવલોકન કર્યું છે કે, “ખાણો, જંગલો જેવી વસ્તુઓની વિચારણા કરો, ઉદાહરણ તરીકે આપણે કહીએ કે કલમ-૩૯(બી) હેઠળ ખાનગી જંગલો પર સરકારની નિતિને લાગુ નહીં પડે તેનાથી દુર રહો કારણ કે તે ખૂબ જ ખતરનાક પ્રસ્તાવ હોઈ શકે છે”!! આજે દેશમાં ગરીબો વધુ ગરીબ થતાં જાય છે !! મોટા ઔદ્યોગિક ગૃહો જીવન જરૂરિયાતની જે વસ્તુ ખરીદે છે !!

જાહેરખબરો આપે છે ને ડબલ કમાય છે !! છતાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદીમાં સરખો જી.એસ.ટી. ભરે છે ?! આ અસમાનતાની ખાઈ વિષે દેશના નેતાઓને વિચારવાનો સમય ન હોય પણ દેશની સુપ્રિમ કોર્ટે વિચારણા શરૂ કરી છે ?! શું નિર્ણય આવશે એ ભવિષ્યની વાત છે !! તસ્વીર સુપ્રિમ કોર્ટના એ ન્યાયાધીશોની છે જે આ કેસની સૂનાવણી કરી રહ્યા છે !!

ડાબી બાજુથી ઈન્સેન્ટ તસ્વીર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે !! બીજી તસ્વીર જસ્ટીસ શ્રી હરિકેશ રોય, જસ્ટીસ સુશ્રી બી. વી. નાગરત્ના, જસ્ટીસ શ્રી સુધાંશુ ધુલીયા, જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા, જસ્ટીસ શ્રી મનોજભાઈ મિશ્રા, જસ્ટીસ શ્રી રાજેશ બિન્ડલ, જસ્ટીસ શ્રી સતીષચંદ્ર શર્મા, જસ્ટીસ શ્રી ઓગસ્ટિન જયોર્જ મસીહની છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસીએશન લી. વિરૂધ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેસની સૂનાવણી હાથ ધરાઈ !!

“આખી દુનિયાના કામદારો એક જૂથ થઈ જાય તો તેમને ગુમાવવા જેવું કશું નહીં રહે” – કાર્લ માર્કસ !!

અમેરિકામાં મિલકત રાખવાનો વધારવાનો અને ઉપયોગ કરવાનો અધિકાર છે છતાં સરકાર તેને વ્યાજબી વળતર ચૂકવી રાજયહસ્તક લઈ શકે છે !!

ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી ગજેન્દ્રભાઈ ગડકરે કહ્યું છે કે, “બંધારણથી આ દેશમાં દાખલ કરવા ધારેલી લોકતાંત્રિક જીવનરિતિનો પાયો અને સ્તંભ છે”!! જયારે કાર્લ માર્કસે કહ્યું હતું કે, “જો આખી દુનિયાના કામદારો એકજૂથ થઈ જાય તો તેમની પાસે ખોવા માટે કશું નહીં બચે”!!

આ છે બધારણીય સ્વાતંત્ર્ય અને સામાજીક ન્યાયની પરિભાષા !! જેની ચર્ચા દેશની સુપ્રિમ કોર્ટમાં સાર્વજનિક ભલાઈ માટે રાજય સત્તાવાળા તેનો કબજો લઈ શકે નહીં તે મુદ્દા પર સુપ્રિમ કોર્ટમાં નવ ન્યાયાધીશોની બેન્ચ સૂનાવણી કરી રહી છે !!

Dhananjaybhai Chandrachud (Chief Justice)

અને આ સુનાવણી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના વડપણ હેઠળની બંધારણીય બેન્ચમાં ચાલી રહી છે !! બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં પણ ખાનગી મિલકતનું અપ્રમાણસર જમાવડા હેઠળ સામાજીક ન્યાયની વાત કોંગ્રેસે કરતા ભારે ઉત્તેજનાના માહોલ વચ્ચે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે, “કોંગ્રેસ તમારી ખાનગી મિલકત લઈ લેવા માંગે છે”!! અને ત્યાં સુધી કહ્યું છે કે, “બહેનોના મંગલસૂત્ર પણ સરકાર લઈ લેશે”!! ત્યાં સુધી આા મુદ્દો ચર્ચા જગાવે છે ત્યારે આ મુદ્દો ભારતની પ્રજામાં “ટોક ઓફ ધી નેશન” બન્યો છે !!

લોકશાહી વિચારધારાનું નેતૃત્વ કરતા અને ઉદારમતવાદી એવા અમેરિકામાં મિલકતના અધિકાર અંગે શું જોગવાઈ છે ?! અમેરિકાના સ્વાતંત્ર્યના ઉદ્દઘોષણા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “ઈશ્વરે માનવીને કેટલાક હકકો આપેલા છે જેવા કે, જીવવાનો હકક, મુક્તિનો હકક, સુખ પ્રાપ્તિનો હકક આ દરેક હકકોના રક્ષણ માટે માનવ સમાજમાં સરકારી રચના કરવામાં આવી છે”!! અમેરિકામાં પણ આ રીતે મિલકત ધારણ કરવાનો અધિકાર છે !

અમેરિકા એ પ્રગતિશીલ, ઉદારમતવાદી અને લોકશાહી રાષ્ટ્ર છે !! આ અમેરિકામાં મિલકત તરીકે જમીન, નાણાં, મકાનો, બેંક બેલેન્સ, શેરોનો સમાવેશ થાય છે આ હકક મુજબ અમેરિકામાં વ્યક્તિને મિલકત ધરાવવાની, તેનું રક્ષણ કરવાની પણ સ્વતંત્રતા છે !!

પરંતુ અમેરિકામાં પણ આ હકકમાં મહત્વની જોગવાઈ છે (૧) જયારે વ્યક્તિ મિલકતના અધિકારનો ઉપયોગ કરે છે ત્યારે તેણે તેનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે જેથી સમાજમાં અને રાજયમાં રહેતી બીજી કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓ તેનો કે તેમના જીવન સ્વતંત્રતા કે મિલકતના હકકનો ઉપયોગ કરતા મુશ્કેલી ન પડે ! (ર) જયારે રાજય સરકારો અને કેન્દ્ર સરકાર જરૂર પડે ત્યારે આ હકક પર જો અંકુશ મુકવો હોય તો તે સબંધિત કાયદાની રચના કરવી પડે છે !! સરકાર જાહેર હિતમાં ખાનગી મિલકત લઈ શકે છે !! પરંતુ સરકારે મિલકતનું યોગ્ય વળતર આપવું પડે છે !!

ભારતના બંધારણમાં મિલકતના અધિકાર અંગે શું જોગવાઈ છે ?! અને ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ આ અંગે શું કહે છે ?!
ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એ. કે. સિક્રીએ ભૂતકાળમાં કહ્યું હતું કે, “ભારતના બંધારણનું વાંચન અને તેનું અર્થઘટન આમુખના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જોઈએ”!!

પ્રજાસત્તાક બંધારણનું આમુખમાં સાર્વભૌમત્વ, સમાજવાદ, ધર્મ નિરપેક્ષ, લોકતંત્ર પ્રજાસત્તાક લક્ષણ, ન્યાય સ્વાતંત્ર્ય, સમાનતા, ભ્રાતૃભાવ, વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની વાત મુકી છે !! ભારતમાં મિલકતના મૂળભૂત અધિકાર વિવાદીત રહ્યો છે !! સુપ્રિમ કોર્ટે કેશવાનંદ ભારતી વિરૂધ્ધ સ્ટેટ ઓફ કેરાલા કેસમાં એવું ઠરાવેલું કે, “કોઈપણ કાયદાનો ૯ મી અનુસૂચિમાં સમાવેશ કરાયો હો તો કોઈપણ કાયદાને બંધારણના પાયાગત લક્ષણોનો ભંગ કરતો હોવાના કારણસર પડકારી શકાય છે”!!

ભારતમાં એવી જોગવાઈ હતી કે, કાયદાએ આપેલી સત્તા સિવાય કોઈ વ્યક્તિને તેની મિલકતથી વંચિત કરી શકાશે નહીં એટલે હવે મિલકતનો અધિકાર કાયદાવિદોના મત અનુસાર મૂળભૂત અધિકાર રહેતો નથી !! છતાં આર્ટિકલ ૩૧(સી) મૂળભૂત અધિકારનો ભાગ તરીકે રહે જ છે !! પરંતુ હાલ મુંબઈ પ્રોપર્ટી ઓનર્સ એસોસીએશન વિરૂધ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલે છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસીએશન વિરૂધ્ધ મહારાષ્ટ્ર સરકાર કેસમાં એવી રજૂઆત થઈ છે કે, બંધારણની કલમ-૩૯(બી) અને ૩૧(સી) અંતર્ગત ખાનગી મિલકતોને રાજય સત્તાવાળાઓ કબજે કરી શકે નહીં !! જેની સામે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો કહે છે કે, “સમુદાયના ભૌતિક સાધનોનો અર્થ માત્ર જાહેર સંશોધનો છે અને અમારી પાસે ખાનગી મિલકતમાં તેનું મૂળ નથી એવું સૂચન કરવું થોડું આત્યાંતિક હોઈ શકે છે”!!

ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે આવા અવલોકનની પ્રતિક્રિયા આપતા આગળ એમ પણ કહ્યું છે કે, “હું તમને કહી શકીશ કે શા માટે આવો દ્રષ્ટિકોણ જોખમી હશે”! ખાણો અને ખાનગી જંગલો જેવી વસ્તુઓની વિચારણા કરો, ઉદાહરણ તરીકે આપણે કહીએ કલમ-૩૯(બી) હેઠળ ખાનગી જંગલો પર સરકારની નિતિને લાગુ નહીં પડે તેનાથી દુર રહો કારણ કે તે મુજબ ખતરનાક પ્રસ્તાવ હોઈ શકે છે !!

૧૯૫૦ ના દાયકામાં બંધારણની રચના કરવામાં આવી ત્યારે સામાજીક અને અન્ય પ્રચલિત પરિસ્થિતિના સંદર્ભે કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે, “બંધારણનો હેતુ સામાજીક પરિવર્તન લાવવાનો હતો અને અમે એમ ન કહી શકીએ કે એકવાર મિલકત ખાનગી થઈ ગઈ છે તે પછી કલમ-૩૯(બી) નો કોઈ ઉપયોગ થતો નથી”!!

કોર્ટમાં આ મુદ્દે એવો ગંભીર સવાલ ઉઠાવ્યો કે, “સમાજમાં કલ્યાણકારી પગલા અને સંપત્તિની પુનઃ વહેચણીની આવશ્યકતા હોવા છતાં ખાનગી સંપત્તિ પર કલમ-૩૯(બી) લાગુ ન પડે એવું કહી શકાય”!! ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે એવું પણ નિરીક્ષણ કર્યું કે, “જમીનદારી પ્રથા” ની નાબૂદી અને મિલકતના સંપૂર્ણ મૂડીવાદી ખ્યાલ પણ કરતા કહ્યું કે, “તે મિલકતના એકાધિકારની ભાવનાને આભારી છે”!!

આમ સુપ્રિમ કોર્ટની ૯ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે એટલો તો ઈશારો કરી દીધો છે કે, સરકાર તમારૂં મંગળસૂત્ર ભલે ના લઈ લે પણ સામાજીક સમાનતા અંગે નિતિ તો ઘડી શકે ?! જો કે આખરી ફેંસલો શું આવે છે ?! તેની રાહ જોવી રહી !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.