સગીરાનું અપહરણ, બળાત્કાર ગુજારનારને ૨૦ વર્ષની કેદ
અમદાવાદ, શહેરના રામોલ વિસ્તારમાંથી નવે. ૨૦૧૯માં ૧૫ વર્ષિય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને સ્પે. પોક્સો કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે.
આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો કે છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય. શહેરના રામોલ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષિય સગીરાને તેના જ વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષિય સન્ની સોમાજી ઠાકોરે પ્રેમ જાળમાં ફસાવી હતી.
ત્યારબાદ લગ્નની લાલચ આપી ૧૧ નવે. ૨૦૧૯ના રોજ અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે સગીરાના પરિવારે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૨૩ નવે. ૨૦૧૯ના રોજ સન્નીને ઝડપી લીધો હતો અને સગીરાને છોડાવી હતી.
આ મામલે ચાર્જશીટ થતા કેસ સ્પે. કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી ૨૪ વર્ષનો હતો અને તેણે ૧૫ વર્ષિય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો.
આખોય કેસ પુરવાર થાય છે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, આ પ્રકારના કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે ત્યારે લોકોમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે સન્નીને ૨૦ વર્ષની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યો છે.SS1MS