વાયરલ ડીપફેક વીડિયો કેસમાં રશ્મિકા મંદાનાએ પોતાનું નિવેદન નોંધ્યુ
મુંબઈ, અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાઉથથી લઈને બોલિવૂડ સુધીના ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. ‘નેશનલ ક્રશ’ તરીકે ઓળખાતા રશ્મિકાના ચાહકો તેને આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’માં જોવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેના ચાહકોને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે રશ્મિકાના એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ ડીપફેક વીડિયો કેસમાં પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. મળતી માહિતી મુજબ ડીપફેક વીડિયો કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની આઈએફએસઓ ટીમે મુંબઈમાં રશ્મિકાના નિવેદન નોંધ્યા છે. ૨૧ જાન્યુઆરીએ દિલ્હી પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો.
ઈ નવીન નામના આ વ્યક્તિની ઉંમર ૨૩-૨૪ વર્ષ હોવાનું કહેવાય છે. માહિતી સામે આવી છે કે નવીન રશ્મિકા મંદન્ના અને દક્ષિણની અન્ય બે સેલિબ્રિટીઝના સેલેબ પેજ ચલાવતો હતો. તે રશ્મિકાના આ વીડિયો દ્વારા પૈસા અને ફોલોઅર્સ વધારવા માંગતો હતો.
રશ્મિકાની ફિલ્મ ‘એનિમલ’ની રિલીઝ પહેલા, તેનો આ વીડિયો ૬ નવેમ્બર ૨૦૨૩ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો જોઈને લોકો વિશ્વાસ જ ન કરી શક્યા કે તે રશ્મિકા છે.
અને એ જ વાત સાચી નીકળી, આ વાયરલ વીડિયો એક ડીપફેક વીડિયો હતો, જેમાં બ્રિટિશ પ્રભાવક ઝરા પટેલના શરીર પર રશ્મિકાના ચહેરાને સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો હતો. આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ નવેમ્બરમાં એક્શનમાં આવી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
૧૦ નવેમ્બરના રોજ, ડીસીડબલ્યુની ફરિયાદ પર, દિલ્હી પોલીસે કેસ નોંધ્યો અને ૫૦૦ થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની શોધ કરી. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમની ટીમ ઘણા રાજ્યોમાં પણ ગઈ હતી અને ત્યારબાદ ઈ નવીનને આંધ્રપ્રદેશના ગુંટુરથી ધરપકડ કરવામાં આવી હતી.
રશ્મિકા વિશે વાત કરીએ તો તે હવે અલ્લુ અર્જુન સાથે ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’માં જોવા મળશે. આ સિવાય તે ધનુષ સાથે ફિલ્મ ‘કુબેરા’માં પણ કામ કરી રહી છે, તાજેતરમાં જ ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યો હતો.SS1MS