અમદાવાદ કલેકટરના હસ્તે ‘ચુનાવ કા પર્વ સેલ્ફી ઈ-પોર્ટલ’નું લોન્ચિંગ કરાયું
સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોને આકર્ષવા માટે સેલ્ફી પોર્ટલ તૈયાર કરાયું –એક લાખથી વધુ યુવાનો અને ફર્સ્ટ ટાઇમ વોટર્સ અચૂક મતદાનના શપથ લઈને આ પોર્ટલ પર સેલ્ફી અપલોડ કરે એવો લક્ષ્યાંક રખાયો
યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવવા અને પ્રથમ વખતના યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત વિશિષ્ટ પ્રકારની પહેલ કરીને અનોખા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અમદાવાદમાં આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના હસ્તે યુવા મતદારોને મતદાન પ્રત્યે પ્રોત્સાહિત કરવા આકર્ષક ‘ચુનાવ કા પર્વ ઈ-સેલ્ફી પોર્ટલ’નું લોન્ચિંગ કરાયું હતું.
સ્વીપ ટીમ દ્વારા એક લાખથી વધુ ફર્સ્ટ ટાઇમ વોટર્સ અને યુવાનો અચૂક મતદાનના શપથ લઈને આ પોર્ટલ પર સેલ્ફી અપલોડ કરે એવો લક્ષ્યાંક રખાયો છે. યુવાનો https://chunavkaparv.org પર જઈને અચૂક મતદાનના શપથ સાથે સેલ્ફી અપલોડ કરી શકશે.
ઈ-સેલ્ફી પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠકકર તથા સુશ્રી નેહાબેન ગુપ્તા, જિલ્લા શિક્ષણાધિકારી ગ્રામ્ય સુશ્રી કૃપાબહેન ઝા, સ્વીપ સહાયક નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ અને તેમની ટીમ અને ચૂંટણી તંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.