શ્રીલંકામાં પોર્ટ ડેવલપમેન્ટ પર ભારત ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે
નવી દિલ્હી, ભારત શ્રીલંકામાં સ્થિત પોર્ટના વિકાસ માટે ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહ્યું છે. શ્રીલંકાની કેબિનેટે આ સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કંકેસન્થુરાઈ બંદર શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં આવેલું છે.હાલના સમયમાં આ બંદરને સમારકામની જરૂર છે. ભારતે તેના પુનઃવિકાસ સંબંધિત તમામ ખર્ચો ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી. શ્રીલંકાના કેબિનેટમાં આ અંગે ચર્ચા થઈ હતી.
આ દરમિયાન શ્રીલંકાની સંસદે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.શ્રીલંકાની કેબિનેટ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટના મહત્વને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પ્રોજેક્ટની સમગ્ર અંદાજિત કિંમત ઉઠાવવા માટે સંમત થઈ છે.
આ વર્ષે માર્ચમાં કરાયેલા એસેસમેન્ટ મુજબ આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. ૫૧૩ કરોડનો ખર્ચ થવાનો છે.તમને જણાવી દઈએ કે ખર્ચ સંબંધિત કેટલીક અસંગતતાને કારણે આ પ્રોજેક્ટ શરૂ થવામાં વિલંબ થયો હતો. કેબિનેટે ૨ મે, ૨૦૧૭ના રોજ આ પ્રોજેક્ટને ઔપચારિક રીતે મંજૂરી આપી હતી. ત્યારબાદ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓની ઓફરને ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ મંજૂર કરવામાં આવી હતી.
કંકેસથુરાઈ બંદર એક સમયે શ્રીલંકાનું વ્યસ્ત બંદર હતું. આ બંદર દ્વારા, જાફના દ્વીપકલ્પ શ્રીલંકાના અન્ય ભાગો સાથે જોડાયેલું હતું. પરંતુ શ્રીલંકામાં ગૃહયુદ્ધ દરમિયાન એલટીટીઈના આતંકવાદીઓએ આ બંદર પર હુમલો કરીને તેને નષ્ટ કરી નાખ્યું હતું. આ પછી, આ બંદર પરથી કોમર્શિયલ કામગીરી ઠપ થઈ ગઈ.SS1MS