‘જાવ, ફાંસી પર લટકી જાવ’.. કહેવું આત્મહત્યા માટે ઉશ્કેરણી ન કહેવાય
સુનાવણી વખતે કર્ણાટક હાઇકોર્ટે જણાવ્યું
કેસની વિગત અનુસાર કોર્ટમાં અરજી કરનાર પર પાદરીને ‘ગો હેંગ યોરસેલ્ફ’ કહીને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોવાનો આરોપ હતો
કર્ણાટક,કર્ણાટક હાઇકોર્ટે જણાવ્યું છે કે, ‘ગો હેંગ યોરસેલ્ફ એટલે કે જાવ, ફાંસી પર લટકી જાવ’ એવું કહેવું આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી હોવાનું કહી શકાય નહીં. ઉડુપીના એક ચર્ચના પાદરીની આત્મહત્યાના કેસની સુનાવણી વખતે કોર્ટે આવી ટિપ્પણી કરી હતી. કેસની વિગત અનુસાર કોર્ટમાં અરજી કરનાર પર પાદરીને ‘ગો હેંગ યોરસેલ્ફ’ કહીને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોવાનો આરોપ હતો. બચાવ પક્ષે જણાવ્યું હતું કે, “અરજદારને તેની પત્ની અને પાદરી વચ્ચે અનૈતિક સંબંધ હોવાની જાણ થઈ હતી.
તેને લીધે ગુસ્સામાં આવીને વ્યક્તિએ પાદરીને આવા શબ્દો કહ્યા હતા.” અરજદારે કહ્યું હતું કે, “પાદરીએ આત્મહત્યાનો નિર્ણય મારા શબ્દોને કારણે નહીં, લોકોને તેના કથિત સંબંધની જાણ થવાને કારણે લીધો હતો.” પાદરીનો પક્ષ રજૂ કરનાર વકીલે જણાવ્યું હતું કે, “આરોપીએ લોકો સામે સમગ્ર ઘટના જાહેર કરવાની ધમકી આપીને (પાદરીને) આત્મહત્યા કરવા જણાવ્યું હતું.” કોર્ટે સુનાવણી વખતે જણાવ્યું હતું કે, “માત્ર આવા નિવેદનો આત્મહત્યા જેવા મોટા પગલાનું કારણ બની શકે નહીં.”
કોર્ટે ‘ગો હેંગ યોરસેલ્ફ’ શબ્દોને ઉશ્કેરણીની કેટેગરીમાં મૂકવાનો ઇનકાર કર્યો હતો અને આત્મહત્યા માટે ઘણા કારણોને જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં સૌથી મોટું કારણ એક પાદરી હોવા છતાં અનૈતિક સંબંધોમાં સંડોવણીને ગણાવ્યું હતું. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ફરિયાદી જે સ્થિતિમાં હતો તેમાં આવા વાક્યો બોલવા હ્યુમન સાઇકોલોજીનો ભાગ છે. એટલે ‘ગો હેંગ યોરસેલ્ફ’ને આત્મહત્યાનું કારણ માની શકાય નહીં.” કોર્ટે તમામ બાબતોને ધ્યાનમાં લીધા પછી કેસને રદ કર્યો હતો.
કેસની સુનાવણી કરતાં જસ્ટીસ એમ નાગપ્રસન્નાએ જણાવ્યું કે, આરોપીએ પોતાની નારાજગીને કારણે કહ્યું હતું કે, ગો હેંગ યોરસેલ્ફ. એનો અર્થ એ નથી કે તેની સામે આઇપીસીની કલમ ૧૦૭ અને ૩૦૬ હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણી બદલ કેસ દાખલ થાય. અરજદાર પર પાદરીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. પાદરી ઉડુપી જિલ્લાની સ્કુલમાં પ્રિન્સિપાલ પણ હતા. અરજદારે પાદરીને કહ્યું હતું કે, તમારે ખુદને ફાંસી પર લટકાવવી પડશે, કારણ તેની પત્ની પણ ખુદને લટકાવીને હત્યા કરવા જઈ રહી છે. ત્યારબાદ ૧૧ ઓક્ટોબર, ૨૦૧૯ની રાત્રે પાદરીએ પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી.ss1