વ્યાજખોરોના ત્રાસથી પોલીસમેનનાં માતા-પિતાનો ઝેર પી આપઘાત
ચાર લાખ જેવી રકમ માટે માનસિક ત્રાસ આપતા હતા
બનાવની જાણ હોસ્પિટલ ચોકી સ્ટાફે ઈન્કવેસ્ટ પંચનામુ કરી મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું
રાજકોટ, વિવિધ વિસ્તારોમાં વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ટંકારાના છતર ગામે વ્યાજખોરોના ત્રાસથી પોલીસમેન યુવકનાપિતા તથા માતાએ ઝેર પીને જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. ચાર લાખ જેવી રકમ માટે માનસિક ત્રાસ આપતા વ્યાજખોરોથી બુઝુર્ગ દંપતી તંગ આવી ગયું હતું. આ ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ હતી. રાજકોટ તાલુકાના હડાળા ગામે રહેતાં નિલેશભાઈ મનસુખભાઈ ખુંટ (ઉ.૪૫) અને તેમના પત્ની ભારતીબેન નિલેષભાઇ ખુંટ (ઉ.૪૩)એ ગઇકાલે હડાળાના ઘરેથી નીકળી ટંકારા તાલુકાના છતર ગામે આવેલી પ્રાથમિક શાળા નજીક પહોંચી સજોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
પતિ નિલેષભાઈ અને બાદમાં પત્ની ભારતીબેને ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકી સ્ટાફે ઈન્કવેસ્ટ પંચનામુ કરી મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આપઘાત કરનાર દંપતીનો પુત્ર મિલનભાઇ ખુંટ રાજકોટ શહેર પોલીસની સ્પેશિયલ બ્રાંચમાં ફરજ બજાવે છે. આથી તેમને જાણ કરવામાં આવતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. માતા-પિતા બંનેને એક સાથે ગુમાવી દેતાં તે ઊંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.
આપઘાત કરી લેનારા નિલેશભાઈ ખુંટ દરરોજ રાજકોટ આવી પુનિનગર પાસે પાણીના ટાંકા નજીક લીલી મકાઈના ડોડાનું વેંચાણ કરી ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણ અનુભવતા હતા. તેમજ વ્યાજખોરીમાં પણ ફસાયાની ચર્ચા વહેતી થઇ હતી. જો કે હાલ પુત્ર કે પરિવારજનો તરફથી આ મામલે વિસ્તૃત વિગતો પોલીસને જણવાઇ નથી. બે ત્રણ લોકો પાસેથી અલગ અલગ રકમ લઇ સિત્તેર એંસી હજાર જેવી રકમ ભરપાઇ કરી દીધી હોવા છતાં વધુ ઉઘરાણી થતી હોવાની ચર્ચાઓ વહેતી થઇ હતી. આપઘાતનું કારણ વ્યાજખોરી છે કે પછી અન્ય કંઇ? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી હતી.
દરમિયાન આપઘાત કરી લેનારા દંપતીના પુત્ર મિલનભાઇ ખુંટે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, મારા પિતા બે ભાઈમાં મોટા હતાં. તેઓ વ્યાજખોરીમાં ફસાયાની મને જાણ નહોતી. પરંતુ પરમ દિવસે જ મને ફોન કરીને કહ્યું હતું કે પોતાને ચાર લાખ ચુકવવા માટે દબાણ થઈ રહ્યું છે. ચાર પાંચ લોકો વ્યાજ માટે હેરાન કરે છે. ઘરે આવે છે, આથી મેં તેમને લોનની વ્યવસ્થા કરી આપી વ્યાજખોરોને ચુકવી આપવા દિલાસો આપ્યો હતો. તેમણે ક્યારે અને કોની પાસેથી રકમ લીધી? કેટલી રકમ લીધી? તેની મને બહુ જાણ નથી. પણ પિતાની મોબાઇલ ફોન લોક હોઈ તે પોલીસ ખોલશે પછી મોબાઇલમાંથી વ્યાજખોરોના નામ સહિતની વિગતો સામે આવવાની શક્યતા છે.ss1