સમાન નામ ધરાવતા ઉમેદવારો પર પ્રતિબંધ મુકવાનો સુપ્રીમનો ઈન્કાર
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં સમાન નામ ધરાવતા ઉમેદવારો પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. શુક્રવારે જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સતીશ ચંદ્રા અને જસ્ટિસ સંદીપ શર્માની બેંચે કહ્યું કે જો કોઈનું નામ રાહુલ ગાંધી કે લાલુ યાદવ છે તો તેમને ચૂંટણી લડતા રોકી શકાય નહીં.
કોર્ટે કહ્યું- બાળકોના નામ તેમના માતા-પિતા રાખે છે. જો કોઈના માતા-પિતાએ તેને અન્ય કોઈના જેવું જ નામ આપ્યું હોય તો તેને ચૂંટણી લડતા કેવી રીતે રોકી શકાય? શું આનાથી તેમના અધિકારો પર અસર નહીં થાય? બેન્ચે અરજદારને કહ્યું કે તમે જાણો છો કે કેસનું ભાવિ શું હશે. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
હકીકતમાં, સાબૂ સ્ટીફન નામના અરજદારે કહ્યું હતું કે હાઈ પ્રોફાઈલ સીટો પર સમાન નામના બીજા ઉમેદવારને ઉભા રાખવા એ જૂની યુક્તિ છે. જેના કારણે મતદારોના મનમાં મૂંઝવણ ઉભી થાય છે. સમાન નામોને કારણે લોકો ખોટા ઉમેદવારને મત આપે છે અને સાચા ઉમેદવારને નુકસાન થાય છે.
અરજદારે દાવો કર્યો હતો કે હરીફ રાજકીય પક્ષો જાણીજોઈને આવા ઉમેદવારોને ઉભા રાખે છે. બદલામાં, નામના ઉમેદવારને પૈસા, માલસામાન અને અન્ય ઘણા લાભો મળે છે. તેઓને ભારતના રાજકીય અને વહીવટી તંત્રની કોઈ જાણકારી નથી. અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ વીકે બિજુએ કહ્યું કે તેઓ એવો દાવો નથી કરી રહ્યા કે આવા તમામ ઉમેદવારો નકલી છે અથવા તેમને ચૂંટણી લડવાનો અધિકાર નથી.
જો કે, નામના ઉમેદવારોને ટાળવા માટે અસરકારક તપાસ અને યોગ્ય પદ્ધતિની જરૂર છે. વીકે બિજુએ ચૂંટણી આચારના નિયમો, ૧૯૬૧ના નિયમ ૨૨(૩)ને ટાંકીને માગણી કરી હતી કે જો બે કે તેથી વધુ ઉમેદવારોના નામ એક જ હોય, તો તેઓને તેમના કાર્યસ્થળ, રહેઠાણ અથવા અન્ય કોઈપણ રીતે અલગથી ઓળખવામાં આવે.