એક્ટિવા પર જતી યુવતિને આંતરી ખંજરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનારને આજીવન કેદ
સમાજમાં દાખલો બેસે તે હેતુસર આવા ક્રુર અને ઘાતકી માનસ ધરાવતા આરોપીને સખતમાં સખત અને વધુમાં વધુ સજા થવી જોઈએ.
ગાંધીનગર, કલોલ શહેરમાં ધોળા દહાડે એક્ટિવા પર જતી યુવતિને આંતરી ખંજરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર આરોપી ભાવેશ કેશવાનીને કલોલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત વધુ એક વર્ષની સાદી કેદ તેમજ દંડ ભરવાની સજાનો હુકમ પણ કર્યો છે.
આ અંગે યુવતિના પિતાએ કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, તે મુજબ હકીકત એવી છે કે તેમની દીકરી હેમાએ છુટાછેડા લીધા હતા, તેમ છતાં તે કોઈ કામ અર્થે ઘરની બહાર જાય ત્યારે આરોપી ભાવેશ ધરમશી કેશવાણી (રહે. કલ્યાણપુરા, કલોલ) તેને રસ્તામાં અટકાવી અવાર નવાર કનડગત કરતો હતો અને એવી ધમકી આપી હતી કે ‘તું મારી નહીં થાય તો તને કોઈની થવા નહીં દઉ
અને એક દિવસ તને પતાવી દઈશ’ જેથી હેમા ખુબ ગભરાયેલી રહેતી હતી. દરમિયાન તા.૧પ એપ્રિલ ર૦રરના રોજ દિવસે હેમા એક્ટિવા લઈને જઈ રહી હતી ત્યારે કલોલ શહેરના નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલા જોગણી માતાના મંદિર વાળી ગલીમાં હેમાને આરોપી ભાવેશે આંતરી હતી અને એકાએક ખંજરના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવ્યા બાદ નાસી ગયો હતો.
ફરિયાદના આધારે કલોલ પોલીસે આરોપી ભાવેશ કેશવાણી સામે ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી તેનો કેસ કલોલના એડિશનલ સેશન્સ જજ એ.એ. નાણાવટીની કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારે ફરિયાદી પક્ષે સરકારી વકીલ આર.એલ.પટેલે દલીલો કરી હતી કે સમાજમાં દાખલો બેસે તે હેતુસર આવા ક્રુર અને ઘાતકી માનસ ધરાવતા આરોપીને સખતમાં સખત અને વધુમાં વધુ સજા થવી જોઈએ.
તે ઉપરાંત ફરિયાદી તબીબ તેમજ જુબાની ઉપરાંત પુરાવાના આધારે કોર્ટે આરોપી ભાવેશ ધરમશી કેશવાનીને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ રૂપિયા પાંચ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા તે ઉપરાંત અન્ય કલમ હેઠળ એક વર્ષની સાદી કેદ અને એક હજારનો દંડ, તે ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.