ક્ષત્રિય સમાજનો રોષ ઓછો થવાનું નામ જ નથી લેતો!
ક્ષત્રિય સમાજનો રોષ ઓછો થવાનું નામ જ નથી લેતો!
રાજકોટની લોકસભાની બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરેલ ટીપ્પણી પરત્વે ક્ષત્રિય સમાજમાં જે રોષ પ્રવર્તે છે એ ઓછું થવાનું નામ જ નથી લેતો એવું લાગે છે.સૌરાષ્ટ્ર કે કચ્છમાં તો એકંદરે દરરોજ એક-બે બનાવ એવા બને છે કે જ્યાં ક્ષત્રિયો દ્વારા ભા.જ?.પ.નો ઉગ્ર કે સખ્ત વિરોધ થયો જ હોય.તેનાં બે ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યા
(૧)ઃ-રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે ભા.જ.પ્ર.ના પ્રચાર માટે ગયેલા પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને એ ગામનાં ક્ષત્રિય આગેવાનો દ્વારા ગામમાં પ્રવેશતાં અટકાવીને પાદરેથી જ પાછા વળાવી દેવામાં આવ્યા હતા એ પછી(૨)ઃ-ગત ગુરવારે સવારે ભુજ ખાતે ૧૦ઃ૦૦ વાગ્યે સેવન સ્કાય હોટલ ખાતે આઈ.કે.જાડેજાના સાનિધ્યમાં ક્ષત્રિય સંમેલન યોજવામાં આવ્યું હતુ.
તે સંમેલનમાં ઉપસ્થિત રહેવાનું ટેલિફોનનીક નિમંત્રણ કચ્છ જિલ્લા ભા.જ.પ. કાર્યાલયના પીયૂષ પટેલ તરફથી ભા.જ.પ.ના સક્રિય કાર્યકર મહાવીરસિંહને ફોન કરીને આપવામાં આવ્યું તો એ કાર્યકરે સોય ઝાટકીને કહી દીધું કે અત્યારે અમે ભા.જ.પ.ના વિરોધમાં છીએ.આઈ.કે.જાડેજા આવે કે કોઈ રજવાડું આવે અમે ભા.જ.પ.માં નથી.ભા.જ.પ.નો પાયાનો અને અપેક્ષીત કાર્યકર આવો રોકડો જવાબ આપે તે ભા.જ.પ.માટે ચિંતાનો વિષય તો ખરો હોં!
ગ્લેમરસ દેખાવ ધરાવતા મુમતાઝ એહમદ પટેલ નવસારીમાં કેમ પ્રચાર કરતા હશે?
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજકારણનાં ચાણક્ય ગણાતા સદ્ગત એહમદ પટેલ ચાર દશકા પહેલાં ભરૂચ લોકસભાની બેઠક પરથી ચૂંટાઈને લોકસભામાં ગયા હતા.એ આધારે ૨૦૨૪ માં તેમના દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝે કોંગ્રેસ પાસે ભરૂચ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી હતી. ફૈજલે તો અપરિપક્વતા દાખવીને પોતાની સંભવિત ઉમેદવારીની જાહેરાત પણ કરી દીધેલી.
પરંતુ આમઆદમી પાર્ટી સાથે કોંગ્રેસને સમજૂતી થતાં ભરૂચની બેઠક ‘આપ’ને ફાળે ગઈ છે.હવે જોવાની ખૂબી એ છે કે કોંગ્રેસ પાસે ટિકિટ માંગનાર એહમદ પટેલનાં બન્ને વારસદારો (સંતાનો)ભરૂચમાં આમઆદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા માટે ચૂંટણી પ્રચાર કરતા દેખાતા નથી.ઉલટુ ફિલ્મ અભિનેત્રી જેવા ગ્લેમરસ લાગતા મુમતાઝ પટેલ તો નવસારીમાં કોંગ્રેસનો પ્રચાર કરતા જોવા મળ્યા.
પત્રકારોએ ખૂબ સુંદર દેખાતા મુમતાઝને પૂછ્યું કે ભરૂચના બદલે નવસારીમાં કેમ પ્રચાર કરો છો?તો તેઓએ જવાબ આપ્યો કે ચૈતર વસાવા મને બોલાવતાં ય નથી અને યાદ પણ નથી કરતા એટલે હું અહીં પ્રચારમાં આવી છું!તેઓ બોલાવશે તો તેમનાં પ્રચારમાં પણ જઈશ.પછી માર્મિક રીતે ઉમેર્યું હતું કે ‘ચૈતર વસાવાને કદાચ મારી મદદની જરૂર પણ નથી, એટલે એ મને નથી બોલાવતા.’ મુમતાઝના આ ઉદ્દગાર સૂચવે છે કે ચૈતર વસાવા કદાચ ભરૂચમાં ભા.જ.પ.ને જબરદસ્ત ફાઇટ આપે છે હોં!
બોલો લ્યો,અમિત શાહની સભામાં કોર્પોરેટર્સને જ પ્રવેશ ન મળ્યો!
ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી ગાંધીનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર અમિત શાહના પ્રચાર માટે એક જાહેર સભા તા.૩૦મી એપ્રિલના રોજ નરોડા ખાતે યોજવામાં આવી હતી.આ જાહેર સભા શરૂ થાય એ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કોર્પોરેટર્સ તથા અમદાવાદ મહાનગર ભા.જ. પ.ના હોદ્દેદારો સભા સ્થળે પહોંચી ગયા હતા.પરંતુ પોલીસે આ કોર્પોરેટર્સ તથા હોદ્દેદારોને સભામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને પાછા મોકલી દીધા હતા.
આ બનાવને કારણે ભાજપના કોર્પોરેટર્સ તેમજ હોદ્દેદારો ઝંખવાણા પડી ગયા હતા અને અત્યંત નારાજગી અને રોષ સાથે સભા સ્થળ છોડી ગયા હતા અને કહેતા ગયા હતા કે હવે પ્રચારમાં જરૂર પડે તો પણ અમને ન બોલાવતા!આ બાબત ભા.જ.પ.માટે ચિંતાનો વિષય બનવી જોઈએ.કારણ કે પોલીસ ખાતું પ્રજા સાથે સીધી રીતે સંકળાયેલા અને જે પક્ષ સત્તા ઉપર બિરાજમાન છે તેનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ન ઓળખે કે એ કમનસીબી છે.
જગ્યા કે અન્ય પ્રશ્નો હોય તો ઉપરી અધિકારીઓ સાથે પરામર્શ કરીને પણ રસ્તો કાઢી શકાય.વળી,આ જાહેરસભાના આયોજનની જવાબદારી જે મોવડીને અપાઈ હશે તેઓએ પક્ષના કોર્પોરેટર્સ કે હોદ્દેદારોની બેઠક વ્યવસ્થા અંગે કોઇ ચિંતા કે વ્યવસ્થા કેમ નહીં કરી હોય? તે પણ વિચારણીય બાબત છે.છેલ્લા ૨૭ વર્ષથી સતત સત્તામાં રહેલા પક્ષમાં પાયાનાં કાર્યકરોની પોલીસ ખાતા દ્વારા પણ અવગણના થવા માંડે એ બાબત ચિંતાજનક તો ગણી શકાય હોં!
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષને વળી શેનો અસંતોષ થયો?
વડોદરા લોકસભાની બેઠકની ચૂંટણી માટે ગોઠવાયેલી વ્યવસ્થા અંગે અગાઉ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારાજગી વ્યક્ત કરી હતી.એ પછી હવે ભા.જ.પ.ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે એવા સમાચાર આવ્યા છે.
તાજેતરમાં વડોદરાની મુલાકાતે ગયેલા સંતોષે પ્રચાર અને લોકસંપર્ક ક્ષેત્રે થયેલી નબળી કામગીરી પરત્વે રોષ વ્યક્ત કરીને ધારાસભ્યો અને સંગઠનનાં નેતાઓને બરોબર ખખડાવી નાંખ્યા હતા.એમ કહેવાય છે કે વડોદરામાં ભા.જ.પ.તરફથી શરૂઆતમાં રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કરાયા પછી બદલવામાં આવ્યા તે પછી જે રીતે સ્થિતિ વણસી તે હજી થાળે નથી પડી.
વળી,પક્ષ તરફથી સંસદ લડવા માટે પસંદ કરાયેલા પ્રતિનિધિ હેમાંગ જોષીને વડોદરાના કાર્યકરો પોતીકા પ્રતિનિધિ નથી માનતા.તેનું કારણ એ છે કે હેમાંગ જોષી મૂળ પોરબંદરના વતની છે અને વધુ અભ્યાસ માટે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણવા આવેલાં.એ પછી વડોદરામાં સ્થિર થઈ ગયા.જોષી સંઘ પરિવારના લાડકા છે એટલે ટિકિટ તો મળી ગઈ પણ વડોદરામાં ચૂંટણીમાં ભા.જ.પ.તરફી યોગ્ય માહોલ બંધાતો ન હોવાથી પક્ષ સાથે સંઘ પણ ચિંતિત થયો હોય એવું લાગે છે હોં!
કુમાર કાનાણીની શિસ્તભંગ કરવાની આગવી સ્ટાઈલ!
આમ આદમી પાર્ટીમાંથી ભા.જ.પ.માં આવેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને પક્ષમાં પ્રવેશ આપતી વખતે સુરતમાં ભા.જ.પ.તરફથી યોજવામાં આવેલા આવકાર સમારંભમાં આમંત્રિત(અને પક્ષની ભાષામાં કહીએ તો અપેક્ષિત) કરાયાં હોવા છતાં સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહ્યા નહોતા.
હાજર ન રહ્યાં એટલું જ નહીં પણ પોતે કેમ હાજર ન રહ્યા તેનો ખુલાસો પણ ઈલોટ્રોનિક અને પ્રિન્ટ મિડિયા સામે બિન્ધાસ્ત થઈને અને કોઈ શરમ વગર કર્યો. કાનાણીએ કહ્યું કે ભા.જ.પ.ના નેતૃત્વએ કરેલો નિર્ણય અમારા માટે શિરોમાન્ય છે.પક્ષનો વ્યાપ વધે,પક્ષને લાભ અને ફાયદો થાય થાય એ માટે પક્ષે સમજી, વિચારીને જ આ નિર્ણય લીધો હશે.તે અંગે મને કોઈ વાંધો કે નારાજગી નથી.પરંતુ હું મારા કેટલાક સિધ્ધાંતો સાથે રાજકારણમાં રહું છું.સુરતના વરાછા રોડ પર મારી આબરૂ છે.
વળી,જેને કાલે ગાળો દીધી હોય તેને આજે આવકારી તો એ બધું લોકો યાદ રાખતા હોય છે.તેથી મેં કલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા સત્કાર સમારંભમાં હાજર ન રહેવાનો નિર્ણય કર્યો હતો.કુમાર કાનાણીની આ વાત સાંભળીને એક જુની કહેવત મહાજન મારું મા-બા પણ મારો ખીલ્લો નહીં ખસે એ યાદ આવે હોં!