ટીમ પસંદ કરવી એક પડકાર હતોઃ અજીત અગરકર
નવી દિલ્હી, ભારતીય ટીમે ટી-૨૦ વર્લ્ડ કપ માટે તૈયારી કરી લીધી છે. ૩૦ એપ્રિલે બીસીસીઆઈએ ટી૨૦ વર્લ્ડ કપ (BCCI T20 WorldCup) માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેના માટે અનેક દિગ્ગજો પોતાના મંતવ્યો આપતા જોવા મળ્યા હતા. હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે તમામ સવાલોના જવાબ આપ્યા છે.
કે.એલ.રાહુલના સવાલ પર અજીત અગરકરે કહ્યું, “કેએલ રાહુલ એક શાનદાર ખેલાડી છે. અન્ય વિકેટકીપર મિડલ ઓર્ડરમાં રમી રહ્યા છે અને રાહુલ ટોપ ઓર્ડરમાં છે. આ માત્ર ટીમને સંતુલિત કરવા માટે લેવાયેલું પગલું છે.” મિડલ ઓર્ડરમાં વિકેટકીપર તરીકે સંજુ સેમસન અને ઋષભ પંત શ્રેષ્ઠ વિકલ્પ છે. કેપ્ટનશીપ અંગે રોહિત શર્માએ કહ્યું કે, “ભારતની કેપ્ટનશીપ કરવી એ સારો અનુભવ છે.
હું મારી કારકિર્દીમાં ઘણા ખેલાડીઓની કેપ્ટનશીપ હેઠળ રમ્યો છું. આ કંઈક નવું છે. એક ખેલાડી તરીકે તમારે તમારી ટીમ માટે રમવાનું હોય છે.” આ સિવાય પસંદગીકાર અજીત અગરકરે કેપ્ટનના સતત બદલાવ પર જવાબ આપ્યો. તેમણે કહ્યું, ‘રોહિત અમારો શ્રેષ્ઠ કેપ્ટન છે. વનડે વર્લ્ડ કપ પછી છ મહિનાનો સમય મળ્યો છે. હાર્દિકે પણ વચ્ચે સારું પ્રદર્શન કર્યું છે. રોહિત એક શાનદાર કેપ્ટન છે અને તેણે ઓડીઆઈ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ટીમ પસંદ કરવા પર અજીત અગરકરે કહ્યું, તે હંમેશા પડકારજનક હોય છે, પરંતુ મેં રોહિત સાથે પહેલાથી જ વાત કરી હતી. અમે પહેલાથી જ સ્પષ્ટ હતા કે અમારે શું કરવાનું છે. આઈપીએલમાં પ્રદર્શને આમાં ઘણી મદદ કરી.” રોહિત શર્માએ આઈપીએલમાં પ્રદર્શનની અસર પર કહ્યું, ‘હાલના સમયમાં જે પણ આઈસીસી ટૂર્નામેન્ટ થઈ છે તે આઈપીએલ પછી જ થઈ છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ આઈપીએલ બાદ થઈ હતી.
આ કારણોસર અમે અગાઉથી તૈયારીઓ કરીએ છીએ. અમે પહેલાથી જ અમારા મગજમાં ૧૧ રમી રહ્યા છીએ. અમે પરફેક્ટ રોલ માટે પરફેક્ટ પ્લેયર પસંદ કરીએ છીએ. ઘણા ખેલાડીઓ લાંબા સમયથી આ ફોર્મેટમાં રમ્યા નથી, પરંતુ તેઓ ઘણા અનુભવી છે. ક્યારેક કોઈ સદી ફટકારે છે તો ક્યારેક કોઈ ૫ વિકેટ લે છે. અમે પહેલાથી જ ૭૦ ટકા ટીમ પસંદ કરી લીધી હતી.
રિંકુ સિંહને બહાર રાખવાના સવાલ પર ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું, “રિંકુ સિંહને બહાર રાખવો સૌથી મુશ્કેલ બાબત હતી. શુભમન ગિલ સાથે પણ એવું જ હતું. અમે પહેલા ટીમ કોÂમ્બનેશન પર ધ્યાન આપ્યું અને પછી આકરા નિર્ણયો લીધા.
તેમણે વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર પણ પોતાનું મૌન તોડ્યું. અગરકરે કહ્યું, કોહલીના સ્ટ્રાઈક રેટ પર કોઈ સવાલ નથી. તે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. અમે ક્યારેય કોહલીના સ્ટ્રાઈક રેટ વિશે ચર્ચા કરી નથી , જ્યારે તમે વર્લ્ડ કપમાં હોવ ત્યારે દબાણ અલગ હોય છે.