જિલ્લાના તમામ મતદાન બુથ પર ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર આશરે 170 જેટલી વસ્તુઓ રખાશે
હિટ વેવમાં નાગરિકો તથા ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મીઓને તકલીફ ન પડે તે હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સૌ પ્રથમ વખત તમામ મતદાન મથક પર 3 વિશેષ કિટ અપાશે
ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી સામગ્રી ઉપરાંત વેલ્ફેર કિટ, હાઇજીન કિટ અને મેડિકલ કિટનો કરાયો સમાવેશ
લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાન કરવા આવનાર નાગરિકો અને ચૂંટણીની ફરજમાં રોકાયેલા કર્મીઓને હિટ વેવના સંજોગોમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ચૂંટણી તંત્ર દ્વારા જે-તે વિધાનસભા મતવિસ્તાર વાઈઝ તેમાં સમાવિષ્ટ બુથની સંખ્યા પ્રમાણે પ્રતિ બુથ એક કિટ તૈયાર કરવામાં આવી છે. જે કિટમાં ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર આશરે 170 જેટલી વસ્તુઓ મૂકવામાં આવે છે. જેમાં નાનામાં નાની ટાંકણીથી લઈને પોસ્ટર સુધી તમામ પ્રકારની નાની મોટી સામગ્રીઓ, સ્ટેશનરીની આશરે 31 જેટલી વસ્તુઓ, કવર, ફોર્મ, અવિલોપ્ય શાહી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી સામગ્રીઓ રાજ્ય ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હિટ વેવની આગાહી જોતાં અમદાવાદ જિલ્લામાં મતદાન કરનાર નાગરિકો અને ચૂંટણીની પ્રક્રિયામાં રોકાયેલા કર્મીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં જિલ્લામાં સૌ પ્રથમ વખત દરેક બુથ પર 3 જેટલી વિશેષ કિટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી સામગ્રીઓ ઉપરાંત વેલ્ફેર કિટ, હાઇજીન કિટ અને મેડિકલ કિટ તમામ બૂથમાં રાખવામાં આવશે. વેલ્ફેર કિટમાં સૂકો નાસ્તો, ચોકલેટ, બિસ્કિટ જેવું રાખવામાં આવશે. જ્યારે હાઈજીન કિટમાં સાબુ, મોસ્કિટો રેપિલન્ટ કિટ જેવી વસ્તુઓ રખાશે. અને મેડિકલ કીટમાં જરૂરી દવાઓ અને ORSના પેકેટ વગેરે મૂકવામાં આવશે. આ ઉપરાંત તમામ વિધાનસભા મતવિસ્તારમાં રૂટ વાઈઝ એક-એક કિટ રિઝર્વ રાખવામાં આવશે.
અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.