Western Times News

Gujarati News

વલસાડમાં ગર્ભવતી યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

પતિ-સાસુની સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
અમદાવાદ,  વલસાડ મોગરાવાડી મણિનગર ખાતે રહેતી ગર્ભવતી પરણિતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આપઘાતના ત્રણ દિવસ બાદ મહિલાના ભાઈ દ્વારા બહેનના પતિ અને સાસુ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેના આધારે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ મણિનગર પોલીસ હેડકવાર્ટર પ્રાથમિક શાળાની પાછળ રહેતા અને રેલવેમાં નોકરીમાંથી નિવૃત થયેલા ૬૧ વર્ષીય મેવાલાલ શિવરાજ પાલ તેના ત્રણ દીકરાઓ સાથે રહેતા હતા. નાના દીકરા અજયના લગ્ન ૨૫-૦૨-૨૦૧૯ના રોજ અમનગંજ યુપીમાં રહેતી નીતા(ઉ.વ.૨૪) સાથે થયા હતા. લગ્ન બાદ નીતા સાસરે પરિવાર સાથે રહેતી હતી. ગત સોમવારે બપોરે મેવાલાલ શાકભાજી લેવા માર્કેટ ગયા હતા. નીતાને માથું દુઃખતું હોવાનું જણાવ્યું હતું.

સાસુએ નીતાને દવા લઈને આરામ કરવા બપોરે ૫-૦૦ કલાકે જણાવ્યું હતું. સાંજે ૭-૦૦ કલાક સુધી નીતા રૂમમાંથી બહાર ન આવતા મેવાલાલને જાણ કરી હતી. મેવાલાલ નીતાને બોલાવવા ઉપર રૂમમાં ગયા હતા. દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવતા દરવાજો કોઈ ખોલતું ન હતું. મેવાલાલે તેની પત્નીને બૂમ મારી ઉપર બોલાવી હતી. આજુબાજુના સ્થાનિક લોકો પણ આવી પહોંચ્યા હતા. નીતા દરવાજો ન ખોલતા મેવાલાલે તેના દીકરા અજયને અને પોલીસને જાણ કરી હતી.

તાત્કાલિક પોલીસે પહોંચી સ્લાઈડિંગ વિન્ડો ખોલી રૂમમાં પ્રવેશીને જોયું તો નીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નીતાના આપઘાતની જાણ પિયરમાં કરવામાં આવતા યુપીથી ભાઈ અને માતા-પિતા વલસાડ ખાતે આવ્યા હતા. ત્યારબાદ પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં ફાંસો ખાઈ આપઘાતનું કારણ દર્શાવવામાં આવ્યું હતું અને તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

જા કે, ભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નીતા અવારનવાર ફોન કરીને પતિ અને સાસુ દહેજ માટે મહેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. જેથી તેણીએ માનસિક ત્રાસ સહન ન થતા આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું અને પોલીસ સ્ટેશનમાં નીતાની સાસુ અને પતિ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.