મોડાસાના જીતપુરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકીથી વહીવટી તંત્રમાં દોડધામ
અલગ ગ્રામ પંચાયતનું નિર્માણ કરીને વિકાસ કાર્યો કરવાની લેખિત ખાતરી આપવાની માંગ પર ગ્રામજનો અડગ
મોડાસા, અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારો હજુ વિકાસની પાપા પગલી માંડી રહ્યા છે જેમાં મોડાસાનું જીતપુર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ગઈકાલે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી
જેના પગલે આજે વહીવટી તંત્રએ દોડધામ કરીને સમજાવટના પ્રયાસો કર્યા હતા પણ અલગ ગ્રામ પંચાયતનું નિર્માણ કરીને વિકાસકાર્યો કરવાની લેખિત ખાતરી આપવાની માંગ પર ગ્રામજનો અડગ રહ્યા હતા.
ગઈકાલે જીતપુર ગામના લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે અહીં ગ્રામ પંચાયતમાં છેલ્લા દસ વર્ષથી વિકાસ થવો તો બાજુએ રહ્યો અમારું જીતપુર ગામ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાનાં ફાં-ફાં છે.
બાજુમાં જ આવેલા ચારણવાડા ગામના વિકાસને વેગ આપીને જીતપુર ગામ સાથે વિકાસમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન જીતપુર ગ્રામ પંચાયત અલગ કરવાનું વચન આપયા બાદ હજુ સુધી તેનું પાલન નહીં કરતાં આખરે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવો પડયો છે.
બીજી તરફ અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તી પારીક લોકસભાની ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે જ જીતપુર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકીના ઉચ્ચારતા વહીવટી તંત્ર દોડતું થયું છે.
શનિવારે જીતપુર ગામમાં વિકાસ અધિકારીએ તેમની ટીમ સાથે પહોંચીને ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ જીતપુર ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની લેખિત બાંહેધરી આપવાની માગણી પર અડગ રહેતા મોડી સાંજ સુધી કોઈ સમાધાન શક્ય બન્યું નહોતું.