અમદાવાદ જિલ્લામાં કુલ 5459 મતદાન મથકો પર 60,74,005 મતદારો કરશે મતદાન
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અજય ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જિલ્લાના સૌ નાગરિકોને સહપરિવાર અવશ્ય મતદાન કરવા કરી અપીલ
મતદાન મથકો પર પાણી, મેડિકલ કિટ, રેમ્પ, ટોઇલેટ, સાયનેજીસ, હાઇજીન કિટ, વેલ્ફેર કિટ સહિતની એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટી (AMF) ઉપલબ્ધ કરાવવામાં આવશે
રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. અમદાવાદ જિલ્લામાં કુલ 5459 મતદાન મથકો પર આવતીકાલે મતદાન યોજાશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અજય ચૌધરીએ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રની તૈયારીઓની વિગતો પ્રેસ કૉન્ફરન્સના માધ્યમથી રજૂ કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જિલ્લાના સૌ નાગરિકોને સહપરિવાર અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ વિગતો પૂરી પાડતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 60,74,005 મતદારો આવતીકાલે મતદાન કરશે. જિલ્લામાં 31,51,312 પુરુષ મતદારો અને 29,22,449 સ્ત્રી મતદારો તથા 244 અન્ય મતદારો મતદાન કરશે.
જિલ્લામાં 147 સખી સંચાલિત, 21 દિવ્યાંગ સંચાલિત તથા 21 આદર્શ મતદાન મથકો પણ ઊભા કરવામાં આવ્યા છે. મતદાન મથકો પર પાણી, મેડિકલ કિટ, રેમ્પ, ટોઇલેટ, સાયનેજીસ, હાઇજીન કિટ, વેલ્ફેર કિટ સહિતની એસ્યોર્ડ મિનિમમ ફેસીલીટી (AMF) ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, અ.મ્યુ.કો. દ્વારા જે મતદારો ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, વોટર ઇન્ફોર્મેશન સ્લીપની ઝેરોક્ષ કે મતદાન બાદ આંગળી ઉપર સહીની નિશાની બતાવશે તેમને એએમટીએસ(AMTS) બસોમાં ફ્રી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.
આ ઉપરાંત, AMC અને ઔડાના તમામ પેઈડ પાર્કિંગ પર મતદાનના દિવસ પૂરતી ફ્રી પાર્કિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક સ્થળ પર કુલ 2438 વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારો કોઈ પણ પ્રકારની મદદ અથવા ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરી શકે છે.
શ્રમયોગી કર્મચારીઓ તેમનો મતાધિકાર ભોગવી શકે તે માટે તેમને સવેતન રજા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે અને આ માટે હેલ્પલાઇન નંબર 07925502842 પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે મતદાન માટે EPIC(એપિક) કાર્ડ સિવાય મતદાન માટે માન્ય અન્ય બાર પુરાવાઓની વિગતો પણ પૂરી પાડી હતી.
સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અજય ચૌધરીએ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થાની વિગતો પૂરી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા દળોની તૈનાતી સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લામાં અલગ અલગ કક્ષાના કુલ 11,661 પોલીસ કર્મચારીઓ ફરજરત રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રેસ કૉન્ફરન્સમાં ટર્નઆઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP)ના નોડલ ઓફિસર અને ડે. મ્યુનિ. કમિશનર શ્રી સી.એમ. ત્રિવેદી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર અને સુશ્રી નેહા ગુપ્તા તથા ઉપસ્થિત રહ્યા હતા.