હજીરાના ઉદ્યોગો ચાલુ રહેતાં હજારો કર્મચારીઓ મતદાન ન કરી શક્યા
સુરત, લોકસભા બેઠક પર મંગળવારે મતદાન હોવાથી ધંધો-રોજગારને મતદાન માટે બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. સુરત શહેર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ, સ્કૂલો, કોલેજો, હીરા ઉદ્યોગ, ટેક્ષટાઈલ ઉદ્યોગ વગેરે તમામ પ્રકારની સંસ્થાઓને પણ બંધ રાખવા જુદા જુદા સરકારી તંત્રોએ સૂચનાઓ આપી હતી.
જો કે, મંગળવારે મતદાનના દિવસે હજીરાના ઉદ્યોગ રાબેતા મુજબ જ ચાલુ રહ્યા હતા. હજીરાના જુદા જુદા ઉદ્યોગોના હજારો કર્મચારીઓ મતદાન ન કરી શકયા હોવાની બૂમ ઉઠી હતી. સુરતમાં મતદાન ન હોય પરંતુ નવસારી અને બારડોલી બેઠક પરના મતદારો હોવાથી સમસ્યા થઈ હતી. હજીરામાં ૧૮થી વધુ મહાકાય ઉદ્યોગો સ્થપાયેલો છે અનેક ઉદ્યોગો કેન્દ્ર સરકારના તાબા હેઠળના પીએસયુ પણ છે.
અન્ય પ્રાઈવેટ ઉદ્યોગગૃહોમાં કમસેકમ સવા લાખ જેટલા કર્મચારીઓ, અધિકારીઓ કાર્યરત છે. આજે મતદાનના દિવસે શહેરના અન્ય ધંધારોજગાર બંધ રાખવામાં આવ્યા તો હજીરાના ઉદ્યોગોમાં કામ કરતાં કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે ઉદ્યોગો કેમ બંધ રાખવાની સૂચના ન અપાઈ. આ અંગે વહીવટી તંત્ર કે ચૂંટણી તંત્રના મોઢા સિવાય ગયા હતા.