ચીખલીનાં સાદકપોર ગામે વહેલી સવારે શિકારની શોધમાં આવેલ દિપડો પાંજરે પુરાયો
નવસારી, નવસારી જિલ્લો દિપડા માટે અભયારણ્ય બની ચૂક્યો હોય તેમ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તાર તેમજ જિલ્લાને અડીને આવેલ જંગલ વિસ્તારમાં વસતા દિપડા જેવા હિંસક પ્રાણીઓ અવરનવર જિલ્લાની પૂર્વ પટ્ટીમાં આવી ચડે છે.
જંગલો પાંખા થતાં, અને જંગલમાં માનવ વસ્તીનું અતિક્રમણ વધતાં, જંગલી પ્રાણીઓ માટે તેમનો કુદરતી આવાસ અને ખોરાક ઘટતો જતાં, જંગલી પ્રાણીઓએ તેમનાં કુદરતી રહેણાંક વિસ્તારથી આગળ વધી હવે માનવવસ્તીની નજીક સુધી અવરજવર કરવા માંડી છે.
ચીખલી તાલુકાના સાદકપોર ગામનાં પહાડ ફળિયામાં દિપડો જાવા મળતા, સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઇને વનવિભાગે દિપડો દેખાવાના સ્થળે પાંજરૂ ગોઠવ્યું હતું. શિકારની શોધમાં આ વિસ્તારમાં આવી ચડેલ દિપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.
વનવિભાગ દ્વારા દિપડાને ઝખ્બે કરવા મુકાયેલ પાંજરામાં વહેલી સવારે શિકારની શોધમાં આવેલ દિપડો પાંજરે પુરાયો હતો. જેને પગલે રાહત અનુભવી, ગ્રામજનોએ વનવિભાગને દિપડો પાંજરે પૂરાયો હોવા અંગે જાણ કરતાં, ચીખલી વનવિભાગે સ્થળ પર પહોંચી દિપડાનો કબજા લઇ તેનું તબીબી પરિક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. આ ક્રિયા પૂરી થયા બાદ દિપડાને ફરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે.
નવસારી જિલ્લાના પૂર્વીય આદિવાસી પટ્ટીના જંગલો તેમજ પડોશી ડાંગ જિલ્લામાં આડેધડ ગેરકાયદે જંગલો કપાતા હોવાથી, જંગલો પાંખા થઇ રહયા છે. જંગલોમાં વસતા દિપડા જેવા હિંસક પ્રાણીઓનું કુદરતી રહેઠાણ તો છીનવાઈ જ રહયું છે,
પરંતુ સાથે જ જંગલમાં વસતા અને હિંસક પ્રાણીઓના કુદરતી ખોરાક જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ ઘટી રહી છે. જેને લઇને રહેઠાણ અને ખોરાકની અછત અનુભવી રહેલા દિપડા જેવા હિંસક પ્રાણીઓ હવે તેમના કુદરતી રહેઠાણ છોડીને પશ્ચિમે આવેલ માનવ વસ્તી તરફ આગળ વધી રહયા છે.
જ્યાં ફળોની વાડીઓ, શેરડીના ખેતરો તેમને કુદરતી આવાસ પુરો પાડે છે, તો પાલતુ પશુઅો અને મરઘી, બતક જેવા પાળેલા પક્ષીઓ તેમનો સરળ શિકાર બની જતા હોવાથી, તેમને સહેલાયથી ખોરાક પણ મળી રહે છે. જેને લઇને હવે નવસારી જિલ્લાનો પૂર્વીય પટ્ટીનો વિસ્તાર દિપડા જેવા હિંસક પ્રાણીઓ માટે કોઇ ભય ન હોવાને લઇને અભયારણ્ય બની રહયો છે.