ભારતમાં હિંદુઓની વસ્તીમાં ૭.૮% ઘટાડો, મુસ્લિમોની વસ્તીમાં ૪૩% વધારો
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો રિપોર્ટ
(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં હિંદુઓની વસ્તીમાં ૭.૮ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મુસ્લિમોની વસ્તીમાં ૪૩ ટકાનો વધારો થયો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. અહેવાલ મુજબ, એક અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં હિંદુઓની વસ્તી હિસ્સો ૧૯૫૦ અને ૨૦૧૫ ની વચ્ચે ૭.૮% જેટલો ઝડપથી ઘટી ગયો છે,
જ્યારે ભારતના ઘણા પડોશી દેશોમાં તેમના બહુમતી સમુદાયની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે પોતાના અહેવાલમાં વિશ્વના ૧૬૭ દેશોના વલણોનો અભ્યાસ કર્યો હતો. આ રિપોર્ટ મે ૨૦૨૪માં બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, જ્યાં એક તરફ ભારતમાં બહુમતી હિંદુઓની વસ્તી હિસ્સેદારી ઘટી છે,
તો બીજી તરફ મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ સહિત અન્ય લઘુમતીઓનો વસ્તી હિસ્સો વધ્યો છે. જોકે જૈનો અને પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ૧૯૫૦ અને ૨૦૧૫ વચ્ચેના સમયગાળામાં, ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં ૪૩.૧૫%નો વધારો થયો છે, જ્યારે ખ્રિસ્તીઓમાં ૫.૩૮%, શીખોમાં ૬.૫૮% અને બૌદ્ધોમાં નજીવો વધારો જોવા મળ્યો છે.
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે ૧૯૫૦ અને ૨૦૧૫ વચ્ચે એટલે કે ૬૫ વર્ષ વચ્ચે વસ્તીમાં થયેલા ફેરફારોનો અભ્યાસ કર્યો છે. ઈએસી-પીએમ એટલે કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અહેવાલ અનુસાર, ભારતની વસ્તીમાં હિંદુઓનો હિસ્સો ૧૯૫૦માં ૮૪%થી ઘટીને ૨૦૧૫માં ૭૮% થયો હતો, જ્યારે તે જ સમયગાળામાં મુસ્લિમોનો હિસ્સો ૯.૮૪% થી વધીને ૧૪.૦૯% થયો છે.
ભારતમાં બહુમતી એટલે કે હિંદુઓની વસ્તીમાં ૭.૮ ટકાનો ઘટાડો થયો છે. ભારતની જેમ પડોશી દેશ મ્યાનમારમાં પણ બહુમતી વસ્તીમાં ૧૦%નો ઘટાડો નોંધાયો છે. નેપાળની સ્થિતિ પણ આવી જ છે, જ્યાં તેની હિન્દુ વસ્તીમાં ૩.૬ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે, જો આપણે ભારતના અન્ય પડોશી દેશોની વાત કરીએ જ્યાં મુસ્લિમોની બહુમતી છે, તો બાંગ્લાદેશની બહુમતી વસ્તીમાં ૧૮.૫ ટકાનો વધારો થયો છે.
એ જ રીતે, બહુમતી વસ્તી (મુસ્લિમ) પાકિસ્તાનમાં ૩.૭૫ ટકા અને અફઘાનિસ્તાનમાં ૦.૨૯ ટકા વધી છે. આ સિવાય માલદીવમાં તેની બહુમતી વસ્તી (સુન્ની)માં ૧.૪૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. ભારતના બે પડોશી દેશો ભૂટાન અને શ્રીલંકામાં બહુમતી વસ્તી વધી છે. ભૂટાનમાં બહુમતી વસ્તીમાં ૧૭.૬ ટકા અને શ્રીલંકામાં ૫.૨૫ ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા અને ભૂટાનમાં બૌદ્ધ ધર્મના લોકો બહુમતીમાં છે.