ગુજરાતમાં ગેંગસ્ટર બેફામઃ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં સિગારેટ રાખી શિવા મહાલિંગમે વીડિયો ઉતાર્યો
ગેંગસ્ટર શિવાનો ખોફનાક વીડિયો વાયરલ
(એજન્સી) અમદાવાદ, એક નાનો ક્રિમિનલ ખૂંખાર અપરાધી ત્યારે બને છે જ્યારે તેણે કોઈ મોટી ઘટનાને અંજામ આપ્યો હોય. દેશના જાણીતા ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલના નિરમા ફાર્મ હાઉસમાં લૂંટનું પ્લાનિંગ કરનાર શિવા મહાલિંગમે તમામ અમદાવાદીઓને ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવાની ધમકી આપી છે.
એક હાથમાં પિસ્તોલ અને બીજા હાથમાં સિગારેટ રાખીને શિવાએ એક વીડિયો બનાવ્યો છે જેમાં તે અમદાવાદીઓને ગોળી મારીને ઓરિજિનલ ક્રાઈમ બતાવવાનું કહી રહ્યો છે.
અંધારીઆલમનો બેતાજ બાદશાહ અબ્દુલ લતીફ પહેલાં એક સામાન્ય બુટલેગર હતો. ત્યારબાદ તેણે ગુનાખોરીની દુનિયામાં પગલું ભર્યું હતું. દેશના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ સાથે હાથ મિલાવીને લતીફે ગુજરાતમાં પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું હતું. લતીફે ગેંગવોર શરૂ કરી અને તેણે રાધિકા જિમખાનામાં ઘૂસીને હંસરાજ ત્રિવેદી સહિત નવ લોકોની હત્યા કરી હતી.
અમરાઈવાડી વિસ્તારમાં પેદા થયેલા શિવા ઉર્ફે આફતાબ મહાલિંગમ કે જેણે ગુજરાતના બીજા લતીફ બનવા માટે દોટ મૂકી છે. શિવા મહાલિંગમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે અમદાવાદીઓને ઘરમાં ઘૂસીને ગોળી મારવાની ધમકી આપી છે. શિવા વિરૂદ્ધ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ, હત્યાની કોશિશ તેમજ જેલમાં હત્યાની સોપારી આપવાના ઘણા કેસ દાખલ થયા છે. શિવા વર્ષ ર૦૧રમાં એસજી હાઈવે પર આવેલા ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલના નિમા ફાર્મ હાઉસમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસ્યો હતો.
શિવા કારમાં જઈ રહ્યો હતો ત્યારે તેના એક હાથમાં પિસ્તોલ છે જ્યારે બીજા હાથમાં સિગારેટ છે. શિવાએ વીડિયોમાં સબકો પડેગી, સબકો પૂરે અમદાવાદવાલો યાદ રખના, સબકો મારુંગા ગોલી, ઘર મેં ઘૂસ ઘૂસ કે, ઓરિજિનલ ક્રાઈમ અબ બતાઉંગા, પોલીસ સ મેરી કોઈ દુશ્મની નહીં હૈ, આ વીડિયો બનાવ્યાના થોડા દિવસ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે શિવા સહિત તેની ગેંગના લોકોની હથિયાર સાથે ધરપકડ કરી હતી. શિવા અમદાવામાં ધંધાની અદાવતમાં હત્યા કરવા રહ્યો હતો. શિવા હત્યા કરે તે પહેલાં તેની ધરપકડ કરી લેવાઈ છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે શિવા મહાલિંગમ અને તેના સાગરિતની બે પિસ્તોલ અને દર કારતૂસ સાથે ધરપકડ કરી હતી જેમાં તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અમદાવાદના સીજી રોડ પર આવેલા રતલામ કાફેના માલિક મુદ્દસર ખાન તેમજ બાબુ મુજાહિદ તથા મુÂશ્કન સાથે ધંધાકીય હરિફાઈને લઈ મનદુઃખ ચાલી રહ્યું છે. ત્રણેયની હત્યા કરવા માટેનો પ્લાન હતો. જો કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી હતી.
અમદાવાદ પોલીસ શિવાને શોધતી હોવાથી તેણે સુરતમાં આવીને ધામા નાંખ્યા હતા.તેના ગુનાહિત ઈતિહાસ ઉપર નજર કરીએ તો શિવા મહાલિંગમે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બેઠા બેઠા હત્યા કરવા માટેની સોપારી આપી હતી.
શિવા મહાલિંગમને ખંડણીપેટે બે કરોડ નહીં ચૂકવીને તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાવનારા જુહાપુરાના જમીન દલાલ મહંમદ શોએબ શેખ ઉર્ફે ગોટીવાલા અને તેમના ભાઈ મહંમદ ઈસ્માઈલ ઉર્ફે સજ્જુની હત્યા કરવા આવેલા બે શાર્પશૂટરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
આ બન્ને શાર્પશૂટરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે શિવાએ જેલમાંથી જ ચારથી પાંચ વખત ફોન કરીને તેમને હત્યા કરવા માટે મોકલ્યા હતા. બન્નેની હત્યા થાય તે પહેલાં ક્રાઈમ બ્રાન્ચે બે પિસ્તોલ અને સાત કારતૂસ સાથે ઝડપી લીધા હતા. આ સિવાય વડોદરા જેલમાં થયેલ અજ્જુ કાણિયાની હત્યાના કેસમાં પણ શિવા માસ્ટર માઈન્ડ હતો.
સુરેન્દ્રનગર ખાતે થયેલ ૧૦૭ કિલો ચાંદીની લૂંટ કેસમાં પણ શિવામહાલિંગમની સંડોવણી હતી. શિવાએ દારૂની એક બોટલની હોમ ડિલિવરીથી ગુનાહિત ઈતિહાસની શરૂઆત કરી હતી. જો કે, પોલીસના ઢીલા વલણથી તે ગુના કરતો ગયો અને ઘેટિયા ગેંગ સાથે જોડાઈને આગળ વધતો ગયો. ત્યારબાદ તે વહાલ સહિતના ગેંગસ્ટર્સની નજરે ચઢયો હતો. શિવાએ આજે ગુજરાતમાં પોતાની ગેંગ ઊભી કરી દીધી છે અને લૂંટ, ખંડણી, હત્યા સહિતના ગુના શિવા તેની ગેંગ દ્વાર કરાવે છે.