ભરૂચ જિલ્લામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૨.૧૧ અને વિજ્ઞાન પ્રવાહનું ૮૦.૦૯ ટકા પરિણામ જાહેર થયું

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ થવા કેન્દ્રનું ૯૮.૮૪ અને સૌથી ઓછું ઝાડેશ્વર કેન્દ્રનું ૮૯.૬૩ ટકા પરિણામ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ૮૦.૦૯ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૨.૧૧ ટકા પરિણામ જાહેર કરાયુ હતું.ભરૂચ જીલ્લામાં સૌથી વધુ થવા કેન્દ્રનું ૯૮.૮૪ અને સૌથી ઓછું ઝાડેશ્વર કેન્દ્રનું ૮૯.૬૩ ટકા પરિણામ આવ્યું હતું.પરીણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા.
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુરૂવારે સવારે ૯ વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.માર્ચ મહિનામાં ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી.
ભરૂચ જીલ્લા માંથી વિજ્ઞાન પ્રવાહમાં ૩,૦૪૪ માંથી ૧૪ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે.જયારે સામાન્ય પ્રવાહમાં ૭૪૧૧ જેટલા છાત્રોએ પરીક્ષા આપી હતી.જેમાંથી ૫૧ વિદ્યાર્થીઓએ જીલ્લામાં એ-૧ ગ્રેડ મેળવ્યો છે.જ્યારે એ – ૨ માં ૫૫૩,બી – ૧ માં ૧૪૨૩,બી – ૨ માં ૨૧૧૧,સી – ૧ માં ૧૮૦૩,સી – ૨ માં ૮૨૭, ડી – ૧ માં ૫૬, ઈ – ૧ માં ૦૨ અને એનઆઈ માં ૬૧૦ વિધાર્થીઓનો સમાવેશ થયો છે.
જયારે ૫૮૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે માહિતી આપી હતી અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉદાસ થયા વગર આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા આપીને પાસ થવા માટે અપીલ કરી હતી. ભરૂચમાં આવેલી એમિટી વિદ્યાલયમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ એ -૧ ગ્રેડ પ્રાપ્ત કરતા તેમના માતા-પિતા સહિત શિક્ષકોમા આનંદ જોવા મળ્યો હતો.