શેલા-બોપલમાં ગટર પાઈપલાઈનનું કામ પૂરુ ન થતા સ્થાનિકોને હાલાકી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યુ છે. જેના પગલે રોડ – રસ્તાઓની હાલત કફોડી થઈ છે.
રોડ ખરાબ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યુ છે. જેના પગલે રોડ – રસ્તાઓની હાલત કફોડી થઈ છે. રોડ ખરાબ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જો વહેલી તકે ગટરનું કામ પુરુ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમસ્યામાં વધારો થવાની સંભાવના છે. ગટરના કામ કાજને લઈને રોડ પર ઠેર – ઠેર ખાડા કરવામાં આવ્યા છે.
જો આ ગટરની પાઈપ લાઈનનું કામ ઝડપથી પુરુ નહી કરવામાં આવે તો ચોમાસામાં પાણી ભરાવાની સંભાવના છે. ખાડા એટલા મોટા છે કે અકસ્માતનો ડર સતત સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. એટલુ જ અંધારામાં જો ખાડો ના દેખાય તો કોઈ વ્યક્તિ ક્યારે ખાડામાં પડી જાય તેની ખબર ન પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બીજી તરફ શેલા ખાતે આવેલી મોનાર્કસીટી – ૨ની ગટર ચોકઅપ થઈ જતા ગટરનું પાણી બહાર આવી રહ્યુ છે. ગટરનું પાણી મોનાર્ક સીટી -૨ ના રહીશોએ અનેક વાર રજૂઆત કરવા છતા પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેનો ઉકેલ વહેલી તકે આવે તેવી માગ કરવામાં આવી છે.