Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની દવાઓની અછતથી દર્દીઓને હાલાકી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં હાલ ટીબી ની દવાઓની અછત હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો અનુસાર તાલુકાના આરોગ્ય કેન્દ્રો માં હાલ ટીબી ની દવાઓ ઉપલબ્ધ નથી તેથી હાલ ટીબી ની સારવાર લેતા ટીબીના એક્ટિવ દર્દીઓને તકલીફ ભોગવવી પડતી હોવાની વિગતો સામે આવી છે.

તાલુકાના કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં એક મહિના જેટલા સમયથી જ્યારે કેટલાકમાં દસેક દિવસના સમયથી ટીબી ની દવાઓની અછત સર્જાઇ છે. સામાન્યરીતે ટીબીની બિમારીવાળા દર્દીઓ મોટાભાગે સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લેતા હોય છે, અને ટીબી ના દર્દીઓએ સારવાર માટે દવાનો છ મહિનાનો કોર્સ કરવાનો હોય છે.

ઝઘડિયા તાલુકા સહિત ભરૂચ જિલ્લાના કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં પણ હાલ ટીબી ની દવાઓ ઉપલબ્ધ નહિ હોવાની વિગતો જાણવા મળી છે, ત્યારે ટીબીની નિયમિત સારવાર લેતા દર્દીઓએ હાલ સરકારી દવાઓના અભાવે ખાનગી રાહે ટીબી ની દવાઓ ખરીદવી પડતી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છેકે ટીબી એટલેકે ક્ષયરોગ શ્વસનતંત્ર ફેફસાનો રોગ ગણાય છે.

આધુનિક સમયમાં ટીબીનો રોગ અસાધ્ય રહ્યો નથી, આ રોગ તેની નિયમિત સારવાર રેગ્યુલર દવાનો કોર્સ તેમજ પોષણક્ષમ ખોરાકથી સંપૂર્ણપણે મટી શકે છે. ઝઘડિયા તાલુકાના બે સામુહિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નોધાયેલ ટીબીના દર્દીઓને જેતે આરોગ્ય કેન્દ્રો દ્વારા નિયમિત સારવાર રૂપે ગોળીઓ અપાતી હોય છે,

જોકે હાલમાં તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં ટીબી ની દવાઓની ઉભી થયેલી અછતને પગલે ટીબીની સારવાર લેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને સરકારી દવાઓની ઉભી થયેલ અછતને પગલે ખાનગી રાહે ગોળીઓ ખરીદીને સારવાર લઇ રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ તાકીદે ઝઘડિયા તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં ટીબી ની દવા ઉપલબ્ધ બનાવવા અસરકારક પગલા ભરે તે જરૂરી બન્યું છે.

ઝઘડિયા તાલુકામાં સેકંડો ટીબીના દર્દીઓ ની દવા ચાલી રહી છે ઃ ઝઘડિયા તાલુકાના એક પણ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટીબીની દવા ઉપલબ્ધ નથી, જુન ૨૦૨૩ ના આંકડા મુજબ ઝઘડિયા તાલુકામાં આશરે ૨૫૧ જેટલા ટીબીના દર્દીઓ નોંધાયેલા છે અને તેની દવાઓ ચાલુ છે આ ઉપરાંત નેત્રંગ તાલુકામાં ૨૦૬ ટીબીના દર્દીઓ અને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ૨૩૦૫ જેટલા ટીબીના દર્દીઓ ની સારવાર ચાલે છે આવા સંજોગોમાં ટીબી ની દવા જ સરકાર પાસે નહીં હોય ખૂબ ગંભીર સમસ્યા ઉપસ્થિત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.