સગીર પ્રેમી સાથે લગ્નની જીદે ચઢેલી સગીરાનું અભયમે કાઉન્સેલિંગ કર્યું
અમદાવાદ, શાહીબાગમાં ૧૫ વર્ષીય સગીરા માતા સાથે રહે છે અને અભ્યાસ કરે છે. પિતાનું છ માસ પહેલા મોત થયું હતું. સગીરા ૧૨ વર્ષની હતી તે સમયે તેની પાડોશમાં રહેતા ૧૬ વર્ષના સગીર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીર સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠી હતી. ઉંમર નાની હોવાથી માતા-પિતાએ લગ્ન કરાવી આપવાની ના પાડી તો સગીરાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
કંટાળીને માતાએ તેની દીકરીની સગીર સાથે સગાઈ કરાવી આપી હતી. જલ્દીથી લગ્ન કરાવી આપો કહીને નહીંતર જીવન ટુંકાવી લઈશ તેવી ગર્ભિત ધમકીઓ સગીરા માતાને આપ્યા કરતી હતી. એક દિવસ સગીરા રાત્રે ઘરેથી નીકળીને પ્રેમીના ઘરે જતી રહી હતી.
સગીરાની માતાને જાણ થતા તે સગીરાને પરત ઘરે લાવી હતી. સગીરાએ માતા સાથે ઝઘડો કર્યો હતો. આત્મહત્યા કરવા રિવરળન્ટ પહોંચી ગઈ હતી. પોલીસે સગીરાને બચાવી લીધી હતી અને માતાને ફોન કરીને સગીરાને સોંપી હતી. તેમ છતા અવારનવાર જલ્દી લગ્ન કરાવી દેવા માતા સાથે ઝઘડો કરીને હેરાન કરતી રહેતી હતી. આખરે સગીરાની માતાએ તેને સમજાવવા માટે અભયમની મદદ માગી હતી.
ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કરી સગીર પ્રેમી અને તેના વાલીને બોલાવીને કાયદાકીય માહિતી આપી હતી. સગીરાની ઉંમર નાની હોવાથી લગ્ન થઈ શકે તેમ નથી. સગીરાને અભ્યાસ પર ધ્યાન આપવા અને પોતાના ભવિષ્યને સારુ બનાવવાની પણ માહિતી આપતા સગીરાને ભૂલ સમજાઈ હતી. તેણે બાંહેધરી આપી હતી કે, લગ્નની ઉંમર થશે પછી જ પ્રેમી સાથે લગ્ન કરશે અને અભ્યાસ પર ધ્યાન આપશે.SS1MS