Western Times News

Gujarati News

જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર પોલીસે તવાઈ બોલાવી દંડ ફટકાર્યો

પાલિકા અને પોલીસ વિભાગ લારી ધારકોને યોગ્ય જગ્યાની ફાળવણી કરે તો ટ્રાફિક સમસ્યા ઓછી કરી શકાય

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને શહેરના એ,બી અને સી ડીવીઝન પોલીસ મથક દ્વારા જાહેરમાર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી.પોલીસે પાલિકા ટીમની મદદ મેળવી ટ્રાફીકને અડચણ રૂપ લારીઓ જમા કરાવી હતી.તો પોલીસની કાર્યવાહી જોઈ આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો અને લારીધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં જ્યારથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે ત્યારથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સીટી તરફ વળ્યા છે.જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે જેથી શહેરમાં ટ્રાફીક ભારણ વધ્યું છે.ત્યારે શહેરમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન ર્પાકિંગ કરતા ટ્રાફિક સમસ્યામાં પણ વધારો થતો જાય છે.

જેની ગંભીરતા જાણી જીલ્લા પોલીસવડા મયુર ચાવડાએ શહેરના એ,બી અને સી ડીવીઝનના પોલીસ અધિકારીઓને શહેરમાં જાહેરમાર્ગો પર આડેધડ કરેલા વાહન ર્પાકિંગ ચાલકો સામે દંડનીય અને ડિટેઈનની કામગીરી કરવા આદેશ આપ્યા છે.જે આદેશ મુજબ ભરૂચ એ,બી અને સી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે પાલિકાની મદદ મેળવી ટ્રાફિક હટાવ ઝુંબેશ હાથધરી હતી.

જેમાં એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરિયાએ બે અલગ અલગ ટીમો બનાવી એક ટીમ બીટીએમ મીલથી લઈને સ્ટેશન સુધી દબાણ હટાવો કામગીરી સાથે ટ્રાફિકને અડચણ રૂપ વાહનો લોક કરી દંડનીય કામગીરી સાથે વાહન ડીટેઈનની કામગીરી હાથધરી હતી.પોલીસે પાલિકાની ટીમોને પણ સાથે રાખી દબાણરૂપ લારીઓ પણ હટાવી હતી.

એજ રીતે બી અને સી ડીવીઝન પોલીસ મથકની ટીમોએ પણ તેમના વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી હાથધરી હતી.પોલીસની કામગીરી જોઈને આદેઢા વાહન પાર્ક કરતા ચાલકો અને દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.આ કામગીરી એક અઠવાડિયા સુધી ચાલનાર હોય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વર્ષો જૂના બાંધકામ વાળા શોપિંગ સેન્ટરો અને દુકાનો આવેલી હોય જેથી ર્પાકિંગ સુવિધા ન હોવાના કારણે લોકો રોડ ઉપર જ પોતાના વાહનો પાર્ક કરતા હોય છે તો બીજી તરફ દુકાન ધારકો દ્વારા વાહનો પાર્ક કરવાની જગ્યાએ પોતાના બેનર અને હોડીંગ મૂકી દેવામાં આવતા હોય છે.

તો રોડની બાજુમાં પાડવામાં આવેલા સફેદ પટ્ટાની નીચે પણ મુકેલ વાહનોને પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવતા વાહન ચાલકો પણ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તે મૂંઝવણમાં મુકાયા છે.

ત્યારે પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા લારી ધારકોને ધંધો કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ્ય જગ્યા ફાળવી આપે જેથી મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા ઓછી થઈ શકે અને વાહન ચાલકો વ્યવસ્થિત પોતાના વાહનો પાર્ક કરી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.