પ્રેમલગ્ન કરનારા દંપતીએ ઓનર કિલિંગનો ભય દર્શાવી હાઇકોર્ટ સમક્ષ અરજી કરી
અમદાવાદ, પ્રેમલગ્ન કરનારા દંપતીએ ઓનર કિલિંગનો ભય દર્શાવી હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી છે એવી કેફિયત વ્યક્ત કરી છે કે યુવક-યુવતી ઉપરાંત સમગ્ર કુટુંબને સામાવાળા તરફથી જીવનું જોખમ છે. આ મામલે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા અને અમારી રજૂઆત પર કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવે.
હાઇકોર્ટે હાલ આ કેસમાં રૂલ ઇસ્યૂ કરીને સરકારને આદેશ કર્યો છે કે અરજદારો તરફથી સંબંધિત પોલીસ સ્ટેશન સમક્ષ જે રજૂઆત કરવામાં આવી છે, તે સંદર્ભે જરૂરી માહિતી મેળવીને રજૂ કરવામાં આવે. કેસની વધુ સુનાવણી ૧૫મી મેના રોજ મુકરર કરવામાં આવી છે.
આ કેસની સુનાવણીમાં સૌથી પહેલાં હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે આ તમામ અરજદારો કોણ છે? અને પોલીસ પ્રોટેક્શનની માગ ક્યાં કરવામાં આવી છે. ત્યારે એડવોકેટે યુવતીનું નિવેદન વાંચતાં કહ્યું હતું કે,‘હું મારા માતા-પિતાના ઘરેથી પહેરેલા કપડે નીકળી છું અને કોઇ દર-દાગીના સાથે લાવી નથી. મેં મારી મરજીથી પતિ સાથે લગ્ન કર્યા છે અને લગ્નની ફરજ અદા કરવા માટે હું તેની સાથે ગઇ છું.
આ મામલે મારા પરિવારને કોઇ ગેરસમજ ન થાય એ માટે અરજી કરવાની ફરજ પડી છે. જો મારા ઘરવાળા તરફથી અપહરણ, દર-દાગીનાની ચોરી સહિતના આક્ષેપો સાથેની કોઇ ખોટી ફરિયાદ કરવામાં આવે તો આ અમારો જવાબ છે.’ વધુમાં જણાવ્યું હતું કે,‘તેથી મારા પતિ કે તેમના સભ્યો વિરુદ્ધ કોઇ ખોટી ફરિયાદ થાય તો એ દાખલ નહીં કરવી તે અંગેની આ લેખિત રજૂઆત અથવા તો સ્પષ્ટતા છે.
અમને અમારા પિતા અને અન્યો તરફથી વારંવાર ધમકી મળે છે કે જો હું તેમની સાથે નહીં પરત જાઉં તો તારા પતિને મારી કાઢીશું. અમે આ ધમકીઓથી જીવનું જોખમ અનુભવી રહ્યા છીએ અને કુટુંબીજનો માથાભારે હોઇ અમારા પતિ અને સાસુ-સસરાને મારી નાખી શકે છે.’
હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે આમાં પોલીસ પ્રોટેક્શનનો તો મુદ્દો જ નથી. ત્યારે એડવોકેટે કહ્યું હતું કે,‘આ સમગ્ર મામલો સીધેસીધો ઓનર કિલિંગની ધમકીનો છે અને તેની ચકાસણી કોલ રેકોર્ડ પરથી પણ કરી શકાય. અમારું આખું કુટુંબ અત્યારે ભાગતું ફરી રહ્યું છે અને અમને ગંભીર ધમકીઓ મળી રહી છે. પોલીસ પણ અમારા પિતાના કહેવાથી અમને મારી રહી છે.’SS1MS