દાંડી બીચ દુર્ઘટનાઃ નવાતળાવ ખાતે રહેતા પરિવારના અન્ય બે લોકોના મૃતદેહો ખાડીમાંથી મળ્યા
હાલ નવસારીના ખડસુપા બોર્ડિંગ નજીકના નવાતળાવ ખાતે રહેતા એક જ પરિવારના એકસાથે ચારના મોત બાદ તંત્ર દ્રારા બીચ બંધ કરાવ્યો હતો-એક તરૂણી સહિત ચાર દાંડીના દરિયામાં ગુમ થયા હતા.-હોમગાર્ડ જવાનોએ અન્ય ત્રણ લોકોને બચાવી લીધા હતા
નવસારી, રવિવારે મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના ખડસુપા બોર્ડિંગ નજીકના નવાતળાવ ખાતે રહેતા પરિવારના સભ્યો દાંડીના દરિયાકાંઠે મજા માણવા માટે આવ્યા હતા.
આ પરિવારના લોકો દરિયાકાંઠા નજીક જ દરિયાના પાણીમાં ન્હાવાની મજા માણી રહયા હતા. પરંતુ તેમાંથી સાત વ્યક્તિઓ દરિયામાં ન્હાવાની મજા માણવા કાંઠાથી વધુ દૂર જતાં રહેતા, તેઓ દરિયાના ઉછળતા મોજામાં ગરક થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ દરિયાકાંઠે ફરજ બજાવા હોમગાર્ડ જવાનોએ પોતાના જીવના જાખમે દરિયામાં ઝંપલાવી દરિયામાં ડૂબી રહેલા સાત પૈકી ત્રણને ઉગારી લીધા હતા. જ્યારે એક મહિલા, એક તરૂણી સહિત ચાર દરિયામાં ગુમ થયા હતા.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામે અરબી સાગરના કિનારે નજીકના વિસ્તારો અને આજુ બાજુના જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં ટહેલવા આવે છે. ખાસ કરીને રવિવારે અહીં ભારે ભીડ રહે છે. ગઇ કાલે 12 મેના રવિવારે પણ દરિયાકિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા. બપોરે દોઢ વાગ્યા આસપાસ 7 લોકો દરિયાની ભરતીના પાણીમાં તણાઇ ગયા હતાં.
કાંઠા પર બચાવ કામગીરી માટે સ્થિત હોમગાર્ડનેમાહિતી મળતા તરત તેઓએ બચાવ કાર્ય આદરી વિમલભાઈ ઇશ્વરભાઇ હળપતિ ( ઉ.વ.૨૫) , રાકેશભાઈ જીતેશભાઈ (ઉ.વ. ૧૫) તથા અતિષભાઈ જીતેશભાઈ (ઉ.૨૦) આ ત્રણેયને બચાવી લીધા હતાં. જ્યારે ચાર જણા લાપતા હતા.
જેમની તંત્ર દ્રારા સ્થાનિકોના સથવારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરિયામાં ગરક થઇ ગુમ થનારા આ ચારેયના મૃતદેહો આજે મળ્યા હતા. એકસાથે ત્રણ પરાંતિય પરિવારોના ચાર સભ્યોને દરિયો ગ્રસી જતાં એક તરફ આ ત્રણેય પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે, તો બીજી તરફ તંત્ર પણ આ ઘટનાને લઇને અવાક છે. જા કે, ‘ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળુ મારતા’ હોય તેમ તંત્ર દ્રારા આ દુર્ઘટના બાદ હાલ તો દાંડીના બીચને સહેલાણીઅો માટે બંધ કરી દેવાયો છે. જેને લઇને હાલ દાંડીનો બીચ સુમસામ ભાસી રહયો છે.
દાંડીના બીચ પર દરિયામાં ન્હાવાની મજા માણવા આવેલા પરિવારના ચાર સભ્યોના દરિયામાં ગરક થઇ મોત થવા પહેલાનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોમાં દરિયામાં ગરક થયેલા લોકો એક ગાડીમાં બેસી કેરી ખાતા ખાતા મસ્તી કરતા દાંડીના દરિયાકાંઠે ફરવા જઇ રહેલા જાવા મળી રહયા છે. મૃતક તરૂણી, મૃતક કિશોર અને યુવાને મૃત્યુ પહેલા તેમનો સેલ્ફીનો વિડીયો પણ બનાવ્યો હતો. જેમાં આ તમામ મજાક-મસ્તી કરતા જાવા મળે છે.
દાંડીના દરિયામાં ગરક થઇ કાળનો કોળિયો બનેલ મૂળ રાજસ્થાનના અને હાલમાં નવસારીના ખડસુપા ખાતે સ્થાયી થયેલ પરિવારના ચાર પૈકી એક ૩૮ વર્ષીય મહિલા છે. જેઓ નવાતળાવ ખાતે જ પોતાનું ઘર સંભાળવા સાથે કરિયાણાની દુકાન પણ ચલાવી રહયા હતા. જ્યારે તેમના બે સંતાનો પૈકી ૨૦ વર્ષીય યુવરાજે આ વર્ષે જ ધો.૧૨ ની બોર્ડની પરીક્ષામાં ૭૦ ટકા ગુણ મેળવ્યા હતા. જ્યારે તેનો નાનો ભાઇ દેવરાજ પણ ધો. ૮માં અભ્યાસ કરી રહયો હતો
મૃતક સુશીલાબેનના બહેનની નાની પુત્રી દુર્ગા પણ તેની પરિણીત મોટી બહેન રેખા સાથે રાજસ્થાનના તેમના વતન ભીલવાડાથી નવસારી તેની માસીને ત્યાં ફરવા આવી હતી. માસીને ત્યાં આવેલ આ બંને બહેનો ફરી વતન જનાર હોવાથી રવિવારે તેઓ દાંડી બીચ પર માસી અને તેમના પરિવાર સાથે ફરવા ગયા હતા. જ્યાં આ કરૂણાંતિકા બની હતી. દરિયામાં ગરક થયા બાદ મૃત્યુ પામેલ ચારેય પૈકી બે ના મૃતદેહ દાંડીની ખાડીમાંથી તો બે ના મૃતદેહ નદીની ખાડીમાંથી મળી આવ્યા હતા.
નવસારીના ખડસુપા નજીક નવા તળાવ ગામે રહી કરિયાણાની દુકાન અને દુધ ડેરીનો ટેમ્પો ચલાવતા ગોપાલભાઇનો મોટો પુત્ર યુવરાજ રાજસ્થાન ખાતે રહી અભ્યાસ કરતો હતો. જે વેકેશનમાં પોતાના ઘરે ફરવા માટે નવસારી આવ્યો હતો. તેનો નાનો ભાઇ દેવરાજ નવસારી ખાતે જ ધો. આઠમાં ભણતો હતો.
ચારેય મૃતકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમાર્ટમ પુરૂ થયા બાદ મૃતદેહોને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા.
ગત ૧૨મી મે ને રવિવારે જલાલપોરના દાંડી ગામના બીચ ખાતે રજાની મજા માણવા આવેલ સહેલાણીઅો પૈકી સાત જેટલા લોકો અચાનક દરિયામાં ગરક થતાં દરિયાકાંઠે રહેલા સહેલાણીઅોમાં બુમાબુમ મચી હતી. જેને લઇને ડૂબી રહેલા લોકોને બચાવવા કાંઠા પર ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ દરિયામાં ઝંપલાવ્યું હતું.
જેમાં તેમણે કસબાપારના ૨૫ વર્ષીય વિમલભાઇ ઇશ્વરભાઇ હળપતિ, સુરત મહુવાના ૧૫ વર્ષીય રાકેશભાઇ જીતેશભાઇ અને ૨૦ વર્ષીય અતિષભાઇ જીતેશભાઇને સફળતા પૂર્વક બચાવી લઇ કિનારે લઇ આવ્યા હતા. જ્યારે અન્ય ચાર વ્યક્તિઅો દરિયાના પાણીમાં ગરક થઇ ગુમ થઇ હતી. જેમના મૃતદેહો ૧૩ મી મે ના રોજ મળસ્કે ચાર થી સવારે નવ વાગ્યાની વચ્ચે દાંડીની ખાડી અને નદીની ખાડીમાંથી મળી આવ્યા હતા.
દરિયામાં ગુમ લોકોને શોધવા એસ.ડી.આર.એફ.ની મદદ લેવામાં આવી
દાંડીના દરિયામાં ૪ લોકો ડૂબ્યા હોવાના સમાચાર મળતા નવસારી ફાયરની ટીમ દ્વારા દરિયામાં ગુમ થયેલાઓની શોધખોળ કરતા બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા પરંતુ હજુ બે લોકો ન મળતા આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮ કલાક સુધી શોધખોળ છતાં બે લોકો ન મળતા સવારે એસ.ડી.આર.એફ.ની ટીમને જાણ કરવામાં આવતા બંને ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા ખાડીમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.