નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે કામચલાઉ છલિયુ બનાવ્યું
છોટાઉદેપુર જિલ્લામાં ભારજ નદી પરનો પુલ બેસી જતાં લોકોને ૩૦ કિલોમીટર ફરી જવું પડે છે
(એજન્સી) છોટાઉદેપુર, રાજ્યના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર રોડ રસ્તાની સમસ્યા સામે આવતી રહે છે. પરંતુ અહીના જિલ્લા તંત્રને સ્થાનિકોની સમસ્યાની જાણે કંઈ પડી જ ન હોય તેમ નિંભર બની બેઠુ છે. છેલ્લા ૧૦ મહિનાથી ભારજ નદી પરનો પૂલ બેસી ગયો છે ત્યારે હવે તંત્રએ નદી પર કામચલાઉ છલિયુ બનાવ્યુ છે.
વાયબ્રન્ટ ગુજરાતના વિકાસની વણથંભી ગતિ છોટાઉદેપુર આવતા સુધીમાં મંદ પડી જાય છે. રાજ્યના છેવાડે આવેલો આ એક એવો જિલ્લો છે કે અહીં પાયાની રોડ રસ્તા ગટર અને પીવાના પાણી માટે પણ લોકોએ મહિનાઓ અને કેટલાક કિસ્સામાં વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે છે. અહીંના લોકોને વિકાસના મીઠા ફળ ચાખવા ભાગ્યે જ મળે છે. પીએમ મોદી જે ગેરંટીની વાત કરે છે એ પૈકીની અનેક ગેરંટી અહીં સુધી પહોંચી જ નથી.
જેની પાછળ જવાબદાર છે અહીંનું નઘરોળ તંત્ર. છોટાઉદેપુરમાં પાવી જેતપુરમાં આવેલી ભારજ નદી પરનો પૂલ ગત ચોમાસા વખતનો બેસી ગયો છે અને ૧૦ મહિના વીતવા છતા પૂલનું કોઈ સમારકામ કરાયુ નથી. જેના કારણે લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે. પૂલ ન હોવાથી લોકોને ૩૦ કિલોમીટરનો ચકરાવો લઈને ફરીને જવુ પડે છે જેમા સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે.
આ અંગે સેંકડો રજૂઆતો કર્યા બાદ આખરે તંત્ર કુંભકર્ણની નીંદ્રામાંથી બેઠુ થયુ અને ભારજ નદી પર ૨.૩૭ કરોડના ખર્ચે છલિયુ બનાવી દીધુ. તંત્રની નિયત લોકોની સમસ્યા દૂર કરવાની છે કે વધારવાની તે પણ સમજવુ મુશ્કેલ છે. જેટલો ખર્ચો પૂલ બનાવવામાં થાય એટલા ખર્ચે તંત્રએ કામચલાઉ ધોરણે નદી પર છલિયુ બનાવી દીધુ. હવે જ્યારે ચોમાસુ આવશે ત્યારે નદીના પાણી આ છલિયા પર ફરી વળશે અને લોકોને ફરી ૩૦ કિલોમીટરનો ચકરાવો લેવો પડશે.
હવે સવાલ એ પણ ઉભો થાય છે કે મધ્ય પ્રદેશ અને છોટાઉદેપુરને જોડતા આ ડાયવર્ઝનનો ઉપયોગ માત્ર ચોમાસાનું પાણી નદીમાં આવે ત્યાં સુધી જ થઈ શકે તેમ છે. નદીમાં પાણી આવતાની સાથે જ આ રસ્તા પર નદીનું પાણી ફરી વળશે અને ફરી આ રસ્તો બંધ થઈ જતા ગ્રામજનોએ ફરી ૩૦ કિલોમીટરનો ચકરાવો લગાવવો પડશે.
ત્યારે બે કરોડના ખર્ચે પણ સમસ્યાનો તો કોઈ નિવેડો તંત્ર દ્વારા લવાયો નથી અને અણઘડ વહીવટ દ્વારા કરોડોનું આંધણ કરી નાખ્યુ છે. તંત્રએ અહીં લાખના બાર હજાર કરી અક્કલનું પ્રદર્શન કર્યુ છે.