પર્વત ઉપર તારૂં ભાગ્ય સૂઇ રહ્યું છે: સૂતેલા ભાગ્યને જગાડી દઇશ તો તે તારી સાથે આવશે
લઘુકથાઃ સુતેલું ભાગ્ય
એક વ્યક્તિ જીવનની તકલીફોથી એટલો બધો નિરાશ અને દુઃખી થઇ ગયો હતો કે લોકો તેને અભાગીયો કહીને બોલાવતા હતા.એકવાર ગામમાં એક પંડીત આવે છે અને તેને સમજાવે છે કે ફલાણા પર્વત ઉપર તારૂં ભાગ્ય સૂઇ રહ્યું છે. તૂં ત્યાં જા અને તારા સૂતેલા ભાગ્યને જગાડી દઇશ તો તે તારી સાથે આવશે. પંડીતની વાત ઉપર વિશ્વાસ રાખીને તે પોતાના સૂતેલા ભાગ્યને જગાડવા નીકળી પડે છે.
રસ્તામાં આવતા જંગલમાં એક સિંહે તેને ખાવા માટે તરાપ મારી ત્યારે તે સિંહને કહે છે કે મને ના ખાશો.હું મારૂં સૂતેલું ભાગ્ય જગાડવા જઇ રહ્યો છું.ત્યારે સિંહ કહે છે કે તમારૂં ભાગ્ય જાગી જાય ત્યારે મારી એક સમસ્યા છે તેનું સમાધાન પુછતા આવજો.મારી સમસ્યા એ છે કે હું ગમે તેટલું ખાઉં તેમછતાં મારૂં પેટ ભરાતું નથી,દરેક સમયે ભૂખની જઠરાગ્નિ શાંત થતી નથી.
અભાગીયો માનવ આગળ જાય છે તો એક ખેડૂતના ઘેર રાત્રિ વિસામો કરે છે.વાતો વાતોમાં ખેડૂતને ખબર પડે છે કે તે પોતાનું સૂતેલું ભાગ્ય જગાડવા જાય છે એટલે ખેડૂત કહે છે કે ભાઇ મારો એક પ્રશ્ન છે તેને તમારા ભાગ્યને પુછીને તેનું સમાધાન પણ લેતા આવજો.મારા ખેતરોમાં હું ગમે તેટલી મહેનત કરૂં તેમછતાં સારો પાક પાકતો નથી,આવી પરિસ્થિતિમાં મારી લગ્ન માટે ઉંમરલાયક દિકરીના લગ્ન કેવી રીતે કરી શકું?
આગળ જતાં એક મોટા નગરના રાજાનો તે મહેમાન બને છે.રાત્રિ ભોજન સમયે રાજાએ જાણ્યું કે આ ભાઇ પોતાનું સૂતેલું ભાગ્ય જગાડવા જઇ રહ્યા છે તેથી રાજા કહે છે કે મારે પણ એક તકલીફ છે તેનું સમાધાન તમારા ભાગ્યને પુછીને મને બતાવતા જજો.મારે તકલીફ એ છે કે હું ગમે તેટલી સમજદારીથી રાજ્ય કારભાર ચલાઉં તેમ છતાં મારા રાજ્યમાં અરાજકતા વધતી જાય છે.
પંડિતે બતાવેલ પર્વત ઉપર પહોંચીને તેને પોતાના સૂતેલા ભાગ્યને હલાવીને જગાડ્યું અને કહ્યું કે ઉઠો..ઉઠો..હું તમોને જગાડવા આવ્યો છું.તેના ભાગ્યએ અંગડાઇ લઇને જાગી તેની સાથે ચાલવા માંડ્યું.
તેના ભાગ્યએ કહ્યું કે હવે હું ચોવીસ કલાક તમારી સાથે રહીશ. હવે તે અભાગિયાના બદલે ભાગ્યશાળી વ્યક્તિ બની ગયો અને પોતાના ભાગ્યના લીધે તે તમામ લોકોના સવાલોના જવાબ જાણતો હતો.યાત્રાથી પરત ફરતાં તે રાજાનો મહેમાન બને છે અને રાજાની તકલીફનું નિરાકરણ કરતાં કહે છે કે હે રાજા..તમે એક સ્ત્રી છો અને પુરૂષનો વેશ ધારણ કરીને રાજ્યનો કારભાર સંભાળો છો એટલે તમારા રાજ્યમાં અરાજકતા ફેલાયેલ છે.તમે કોઇ યોગ્ય પુરૂષ સાથે લગ્ન કરી લો અને બંન્ને ભેગા મળીને રાજ્યનો કારભાર સંભાળશો તો તમારા રાજ્યમાં શાંતિની સ્થાપના થશે.
રાજકુમારી કહે છે કે તમે જ મારી સાથે લગ્ન કરીને અહીયાં જ મારી સાથે રહી જાઓ.ભાગ્યશાળી બનેલ અભાગી રાજકુમારીના પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં કહે છે કે હવે તો મારૂં ભાગ્ય જાગી ગયું છે એટલે તમે અન્ય કોઇ પુરૂષ સાથે વિવાહ કરી લો.રાજકુમારીએ પોતાના મંત્રી સાથે લગ્ન કરીને સુખપૂર્વક રાજ્ય ચલાવવા લાગી.
કેટલાક દિવસ રાજકીય મહેમાન બન્યા બાદ તે ત્યાંથી વિદાય છે.ચાલતાં ચાલતાં તે ખેડૂતના ઘેર પહોંચે છે અને તેમના પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે તમારા ખેતરમાં હીરા-ઝવેરાત ભરેલા સાત કળશ દબાયેલા છે તેને બહાર કાઢી લેશો તો ત્યારબાદ તમારી જમીન ઉપજાઉં બની જશે અને મળેલ ધનથી તમે તમારી દિકરીના ધામધૂમથી લગ્ન કરી શકશો.ખેડૂતે આભાર વ્યક્ત કર્યો અને વિનંતી કરી કે તમે મારી દિકરી સાથે લગ્ન કરી લો પરંતુ ભાગ્યશાળી બનેલ તે વ્યક્તિ ખેડૂતના પ્રસ્તાવનો ઇન્કાર કરે છે અને કહે છે કે મારો ભાગ્યોદય થયો છે એટલે હું આપની દિકરી સાથે લગ્ન નહી કરી શકું.ખેડૂતે પોતાની દિકરીનું લગ્ન યોગ્ય વર જોઇને કર્યું અને બંન્ને સુખપૂર્વક રહેવા લાગ્યાં.
કેટલાક દિવસની મહેમાનગતિ કર્યા બાદ તે જંગલના રસ્તેથી પસાર થાય છે ત્યારે તેને રસ્તામાં સિંહ મળે છે તેની સમસ્યાનું સમાધાન કહેતાં કહે છે કે જો તમે કોઇ બહુ મોટા મૂર્ખને ખાઇ જશો તો તમારી ક્ષુધા શાંત થઇ જશે.
સિંહે તેમની ઘણી આવભગત કરી અને તેમની તમામ યાત્રાનો વિગતવાર અહેવાલ જાણ્યો.તમામ વાતો જાણ્યા પછી સિંહ કહે છે કે તમારો ભાગ્યોદય થયા બાદ ઘણા જ સારા અને તમોને જીવનભર સુખ મળે તેવી તક મળી હોવા છતાં તમે તેનો સ્વીકાર ના કર્યો એટલે તમારાથી મોટો બીજો કોઇ મૂર્ખ કોઇ નથી એટલે હવે હું તમોને જ ખાઇને મારી ભૂખને શાંત કરીશ આમ કહીને સિંહે ભાગ્યશાળી વ્યક્તિને શિકાર બનાવી તેને મૃત્યુનો શિકાર બનાવે છે.
સત્ય વાત એ છે કે જ્યારે અમારી પાસે યોગ્ય તક મળે છે તેને અમે પારખી શકતા નથી અને અવસરનો સદઉપયોગ કરવાનું જ્ઞાન નથી હોતું તો ભાગ્ય પણ અમોને સાથ આપતું નથી કે અમારૂં ભલું કરી શકતું નથી.આ મનુષ્ય શરીર વારંવાર મળવાનું નથી માટે આ અવસરમાં ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂની શરણાગતિ સ્વીકારી પ્રભુ પરમાત્માના દર્શન કરી અમારો આલોક અને પરલોક સુખી કરી લઇએ.
આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી, તા.શહેરા (પંચમહાલ) ૯૭૨૬૧૬૬૦૭૫(મો)