બહેરામપુરા, ગોમતીપુર, રામોલ-હાથીજણમાં સપાટોઃ ગેરકાયદેસર બાંધકામો તોડાયા
તંત્રએ પૂર્વે ઝોનમાં રૂ.૯૮,૯૦૦, દક્ષિણ ઝોનમાં રૂ.૧૬,૫૦૦નો દંડ વસૂલ્યો
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા શુક્રવારે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત રહેણાક અને ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના વિવિધ ગેરકાયદે બાંધકામોને એસઆરપીના બંદોબસ્ત હેઠળ તોડી નાખવામાં આવ્યાં હતાં.
દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ટીપી સ્કીમ નં.૩૮-૨ (દાણીલીમડા)ના રેવન્યૂ સર્વે નં.૨૮૨+૨૮૩ પૈકી છીપાકૂવા પાસેના હવેલી કમ્પાઉન્ડના કચરાના ઢગલા પાસે પ્લિન્થ તેમજ સ્લેબ લેવલ સુધીના રહેણાંક પ્રકારના કુલ ૧૩ યુનિટ ગેરકાયદે રીતે ઊભા કરાયા હતા.
આશરે ૪,૧૦૦ ચોરસફૂટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલાં આ તમામ બાંધકામ સામે તંત્રએ જીપીએમસી એક્ટ-૧૯૪૯ હેઠળ કાર્યવાહી કરી હતી, પરંતુ બાંધકામકર્તા દ્વારા સ્વેચ્છાએ બાંધકામ દૂર ન કરાતાં તંત્રએ એસઆરપીના બંદોબસ્ત સાથે તેને તોડી નાખ્યું હતું. જેસીબી, દબાણગાડી અને મજૂરોની મદદ લઇને આ બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.
જ્યારે પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં ટીપી સ્કીમ નં.૧૦ (રખિયાલ)ના ફાઈનલ પ્લોટ નં.૧૩૩માં આવેલા પુષ્પ એસ્ટેટના શેડ નં.એ/૧૭૧માં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારનું એક ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હતું. સત્તાવાળાઓએ જેસીબી, ગેસ કટર, દબાણગાડી અને મજૂરોની મદદ લઈને આશરે ૬૪૫ ચોરસફૂટના આ ગેરકાયદે બાંધકામને દૂર કર્યું હતું તેમજ બાંધકામકર્તા પાસેથી રૂ.૫૦,૦૦૦નો ચાર્જ પણ વસૂલ્યો હતો.
આ ઉપરાંત રામોલ-હાથીજણ વોર્ડમાં ટીપી સ્કીમ નં.૧૦૭ (રામોલ)ના ફાઈનલ પ્લોટ નં.૯૦/પૈકીમાં આવેલા રામેશ્વર એસ્ટેટના શેડ નં.૩૩માં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારનું આશરે ૩૦૦ ચોરસફૂટનું ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હતું. આ બાંધકામને પણ સત્તાધીશોએ જેસીબી, ગેસ કટર, મજૂરો, દબાણગાડીની મદદથી દૂર કરી બાંધકામકર્તા પાસેથી રૂ.૧૫,૦૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો હતો.
આ સિવાય ઓઢવમાં સાત વાહનોને તાળાં મારીને રૂ.૨,૧૦૦, વસ્ત્રાલમાં ત્રણ વાહનોને તાળાં મારીને રૂ.૮૦૦, રામોલ-હાથીજણમાં ત્રણ વાહનોને તાળાં મારીને રૂ.૧,૦૦૦, નિકોલમાં સાત વાહનોને તાળાં મારીને રૂ.૨,૧૦૦,
અમરાઈવાડીમાં પાંચ વાહનોને તાળાં મારીને રૂ.૧,૦૦૦, ગોમતીપુરમાં ત્રણ વાહનોને તાળાં મારીને રૂ.૯૦૦ અને ભાઈપુરામાં બે વાહનોને તાળાં મારીને રૂ.૧,૦૦૦નો વહીવટીચાર્જ પણ તંત્રએ વસૂલ્યો હતો. આમ, સમગ્ર પૂર્વ ઝોનમાં કુલ ૩૦ વાહનોને તાળાં મારીને રૂ.૮,૯૦૦ તેમજ અન્ય વહીવટીચાર્જ મળીને કુલ રૂ.૯૮,૯૦૦નો વહીવટીચાર્જ તંત્ર દ્વારા વસૂલવામાં આવ્યો હતો.
દક્ષિણ ઝોનમાં પણ સત્તાવાળાઓએ ગેરકાયદે જાહેરાત પેટે રૂ.૧૦,૦૦૦ અને દબાણ પેટે રૂ..૬,૫૦૦નો વહીવટીચાર્જ મળીને કુલ રૂ.૧૬,૫૦૦નો વહીવટીચાર્જ વસૂલવામાં આવ્યો હતો.