ગોધરામાં સ્માર્ટ મીટર લગાવવા ઉપર હાલ પૂરતી રોક
MGVCL દ્વારા હંગામી નિર્ણય લેવામાં આવ્યો
(પ્રતિનિધિ)ગોધરા, મધ્ય ગુજરાત વીજ કંપની લી. ગોધરા દ્વારા સ્માર્ટ મીટર લગાવવા ઉપર હાલ પૂરતી રોક લગાવવામાં આવી.વડોદરા બાદ ગોધરામાં પણ સ્માર્ટ વીજ મીટર ને લઈ એમ.જી.વી.સી.એલ.દ્વારા હંગામી નિર્ણય લેવામાં આવ્યો.
સરકાર ની સ્માર્ટ વીજ મીટર યોજના નો ચારેતરફ વિરોધ થઈ રહ્યો છે.ગુજરાત નાં દરેક શહેરમાં વીજ ગ્રાહકો પોતાના ઘરે સ્માર્ટ વીજ મીટર નહિ લગાવવા માટે દેખાવો સાથે વિરોધ કરી રહ્યા છે.ત્યારે ગોધરા શહેરમાં પણ વીજ ગ્રાહકો અને જાગૃત નાગરિકો દ્વારા સ્માર્ટ વીજ મીટર નહિ લગાવવા માટે એમ.જી.વી.સી.એલ કચેરી ગોધરા નાં અધિકારીઓ ને તેમજ ગોધરા ધારાસભ્ય સુધી રજૂઆત કરવામાં આવી હતી.
જે રજૂઆતના અનુસંધાનમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને એમ.જી.વી.સી.એલ કચેરીના અધિકારીઓ સાથે તાબડતોબ મિટિંગ યોજી સ્માર્ટ મીટર વીજ ગ્રાહકો ને ત્યાં લગાવતા પહેલા જાગૃતિ લાવવા, સમજ લાવવા સાથેના સૂચન કર્યા હતા.ત્યારે હવે એમ.જી.વી.સી.એલ.દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવા ઉપર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે.
વડોદરા બાદ ગોધરામાં પણ સ્માર્ટ વીજ મીટર ને લઈ ગોધરા એમ.જી.વી.સી.એલ દ્વારા હંગામી નિર્ણય લેતા હાલ શહેરના કોઈપણ વિસ્તારમાં વીજ મીટર નહિ લગાવીએ.ફરિયાદી ગ્રાહક ને ત્યાં પહેલા ચેક મીટર લગાવી ને તપાસ કરવામાં આવશે.ત્યારે સામેથી અરજી કરનાર સોસાયટીમાં જ હાલ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી ચાલુ રહેશે.
આડેધડ નાણાં કપાતા હોવાના વીજ ગ્રાહકોના આક્ષેપ બાદ ગોધરા એમ.જી.વી.સી.એલ.દ્વારા હંગામી નિર્ણય લેવામાં આવ્યો હતો.છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા સ્માર્ટ વીજ મીટર નાં વિરોધ ને લઈ ગોધરા એમ.જી.વી.સી.એલ.દ્વારા હાલ પૂરતી કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.