સામાન્ય પરિવારમાંથી આવતા રાણીપ-ગોતા ITIના બે વિદ્યાર્થીની અસામાન્ય સિદ્ધિ
સીએનસી ટર્નિંગ અને વેલ્ડિંગમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનાર રવિ પરમાર અને શુભમ પંચાલે ગુજરાતનું ગૌરવ વધાર્યું
રાણીપ-ગોતા આઈ.ટી.આઈ ખાતે બંને વિદ્યાર્થીઓને સીએનસી ટર્નિંગ અને વેલ્ડિંગની બેઝિક ટ્રેનિંગ આપ્યા બાદ પસંદગી થતા એડવાન્સ ટ્રેનિંગની વ્યવસ્થા કરાઈ હતી
અમદાવાદમાં રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. રવિ પરમાર અને શુભમ પંચાલે અમદાવાદના રાણીપ-ગોતા આઈ.ટી.આઈ ખાતે બેઝિક તાલીમ મેળવેલી છે. ફીટર ટ્રેડના છાત્ર રવિ પરમારનું વેલ્ડિંગ સ્કીલ અને શુભમ પંચાલનું સીએનસી ટર્નિંગમાં ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન (જીએસડીએમ) દ્વારા એપ્રિલ – ૨૦૨૪માં ૨૧ સ્કીલ સેગમેન્ટ માટે યોજાયેલ રાજ્ય કક્ષાની કૌશલ્ય સ્પર્ધામાં રાજ્યસ્તરે સિલેક્શન થયું હતું. રવિએ 100માંથી 67 અને શુભમે 73 અંક મેળવ્યા હતા.
હાલમાં ચાલતી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં શુભમ પંચાલ બેંગાલુરુ ખાતે અને રવિ પરમાર દિલ્હી ખાતે ભાગ લઈ રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે બંનેએ ફિટર ટ્રેડ ફિલ્ડમાં તાલીમ મેળવી અને વેલ્ડિંગ તથા સીએનસી ટર્નિંગમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું છે. આ બંને વિદ્યાર્થીઓ પોતાની આ સફળતાની સફરમાં પાયાના ઘડતરનો શ્રેય શ્રમ કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા સંચાલિત રાણીપ-ગોતા આઈ.ટી.આઈને આપે છે. જેણે આ બંને વિદ્યાર્થીઓની પસંદગી થયા બાદ સીએનસી ટર્નિંગ અને વેલ્ડિંગની બેઝિક ટ્રેનિંગ ઉપરાંત એડવાન્સ ટ્રેનિંગની વ્યવસ્થા કરી હતી.
આઈ.ટી.આઈને કારણે સપનાઓ જોવાની અને પુરુષાર્થ કરવાની ક્ષિતિજો વિસ્તરીઃ છાત્ર રવિ પરમાર
છાત્ર રવિ પરમારનું કહેવું છે કે, અમારો પરિવાર આર્થિક રીતે એટલો સધ્ધર નથી, અમે સપનાં પણ સીમિત જોયાં હતાં. પરંતુ આઈ.ટી.આઈમાં તાલીમ અને માર્ગદર્શન મળવાથી અમારી સપના જોવાની અને તેને પૂરા કરવા માટેના પુરુષાર્થની ક્ષિતિજો વિસ્તરી છે.
આઈ.ટી.આઈમાં આવીને જાણે જિંદગી બદલાઈ ગઈ, આગળ વધવાની ધગશ અને પ્રેરણા મળીઃ શુભમ પંચાલ
શુભમ પંચાલ કહે છે કે, આઈ.ટી.આઈમાં તાલીમ અને માર્ગદર્શન આપતા શિક્ષકો, અહીં મળતી સુવિધાઓ અને સહયોગને કારણે અમારી જિંદગી બદલાઈ ગઈ છે. અહીંથી અમને આગળ વધવાની ધગશ અને પ્રેરણા મળી છે.
શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સરકારી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (આઈ.ટી.આઈ) વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારકિર્દીના લોન્ચપેડ સમાન
આજે વિદ્યાર્થીઓ પાસે કારકિર્દી નિર્માણના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. ત્યારે કૌશલ્ય વર્ધનમાં જ આગળ વધવા માંગતા અને ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ગુજરાતમાં સ્કીલ્ડ વર્કર ફોર્સ તૈયાર કરવાના ધ્યેય સાથે રાજ્યમાં કામગીરી કરી રહી છે. ત્યારે શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સરકારી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (આઈ.ટી.આઈ) વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારકિર્દીના લોન્ચપેડ સમાન બની રહ્યા છે.
અમદાવાદ શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં કુલ 15 સરકારી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (આઈ.ટી.આઈ) કાર્યરત
અમદાવાદ જિલ્લામાં સરકારી, ગ્રાન્ટએઈડ અને ખાનગી એમ અનેક ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. તેમાંથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 15 સરકારી આઈ.ટી.આઈ આવેલી છે. જેમાં રાણીપ-ગોતા, કુબેરનગર, મણિનગર, મણિનગર (મહિલા), સરસપુર, થલતેજ, સરખેજ, બાવળા, ધોળકા, ધોલેરા, ધંધુકા, સાણંદ, વિરમગામ, માંડલ અને દેત્રોજ ખાતે આઈ.ટી.આઈ કેમ્પસ આવેલાં છે. જે અદ્યતન અને આધુનિક શિક્ષણના સમન્વય બિંદુ બની રહ્યા છે.
અમદાવાદના રાણીપ-ગોતા આઈ.ટી.આઈ કેમ્પસમાં વિવિધ 7 ટ્રેડ કોર્સ માટે વર્ષ 2024ના નવા સત્રની પ્રવેશ પ્રક્રિયા શરૂ
ઔધોગિક તાલીમ સંસ્થા રાણીપ-ગોતાના આચાર્યશ્રી આશુતોષ વ્યાસના જણાવ્યા અનુસાર ઔધોગિક તાલીમ સંસ્થાનું હરિયાળું પરિસર રાણીપ વિસ્તારમાં કુલ 3598 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં ફિટર, મિકેનિક મોટર વ્હિકલ, બ્યુટી પાર્લર, સીવણકામ, ઈલેક્ટ્રીશ્યન, કોમ્પ્યુટર, વાયરમેન એમ કુલ 07 ટ્રેડ કાર્યરત છે. સંસ્થા ખાતે કુલ 08 પ્રેકટીકલ લેબ તથા 10 થિયરી રૂમ છે.
આ ઉપરાંત મેથેમેટિકલ લેબ, બાયસેગ રૂમ અને લાયબ્રેરી, કોન્ફરન્સ રૂમની સુવિધા પણ ઉપલબ્ધ છે. સાથોસાથ અહીં મારુતિ સુઝુકી મોટર્સ અને કટારિયા ઓટોમોબાઈલ્સના સહયોગથી કાર્યરત ઓટોમોબાઈલ્સ સ્કીલ એન્હાસમેન્ટ સેન્ટર ખાતે મારુતિના રીપ્રેઝેન્ટેટીવ દ્વારા ઉધોગલક્ષી અધતન તાલીમ આપવામાં આવે છે. અહીંથી પાસ થયેલ મોટા ભાગના તાલીમાર્થીઓનું પરીક્ષા પહેલા જ કેમ્પ્સ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ થઈ જતું હોય છે. હાલમાં સંસ્થાના 8૦% કરતા વધારે પાસ આઉટ તાલીમાર્થીઓ નોકરી , એપ્રેન્ટીસ અને સ્વરોજગાર મેળવી ચુક્યા છે. અને રૂપિયા 15,000થી 25,000 સુધીનો માસિક પગાર મેળવી રહ્યા છે.
પ્રવેશ માટેની લાયકાત અને પ્રવેશ પ્રક્રિયા
ધોરણ 8થી ગ્રેજ્યુએશન કરનાર કોઈપણ ઉમેદવાર https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. જ્યાં એસ.સી, એસ.ટી., મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારોને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. જ્યારે અન્ય ઉમેદવારો માટે ન્યૂનતમ દરે વિવિધ કોર્સ કરાવવામાં આવે છે. રજાનાં દિવસ સિવાય કેમ્પસ ખાતે રાખેલ હેલ્પ સેન્ટર ખાતે ઉમેદવારને રૂબરૂ નિઃશુલ્ક ઓનલાઇન પ્રવેશફોર્મ ભરી આપવામાં આવશે. પ્રવેશફોર્મ ભરવાની, રજીસ્ટ્રેશન ફી ભરી ઓનલાઇન સબિમટ કરવાની તથા પ્રવેશફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા-વધારા કરવાની છેલ્લી તારીખ તા.13 જૂન, 2024 છે.