Western Times News

Gujarati News

વાંચનને એક આદત બનાવવાના હેતુથી મણિનગર ખાતે શરૂ કરાયેલી આ પુસ્તક પરબમાં ૫,૦૦૦ થી વધુ પુસ્તકો

ધારાસભ્ય અને પ્રવક્તા મહેશ કસવાલા ને અનોખી પહેલ ‘નમો પુસ્તક પરબ’ ની 151 મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રીએ પુસ્તકોને અત્યંત રસપૂર્વક નિહાળી આ પ્રવૃત્તિને બિરદાવી

ભેંટ સ્વરૂપે પોતાને મળેલા પુસ્તકો મુખ્યમંત્રીશ્રીએ “ નમો પુસ્તક પરબ “ ને અર્પણ કર્યા

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે મણીનગર સ્થિત ઉત્તમ નગર ગાર્ડન પાસે  ‘નમો પુસ્તક પરબ’ અંતર્ગત પ્રતિ રવિવારે યોજાતા પુસ્તક પરબ ની આ રવિવારે યોજાયેલી 151મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. દેશના વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી ચોથી જુલાઈ 2021 ના રોજ ‘નમો પુસ્તક પરબ’નો પ્રારંભ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રદર્શનમાં વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકોને અત્યંત રસપૂર્વક નિહાળ્યા હતા સાથે સાથે આ પ્રવૃત્તિની જાણકારી પણ મેળવી હતી.

ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા પ્રેરિત ‘સંસ્કૃતિ ફાઉન્ડેશન’ દ્વારા પ્રતિ રવિવારે ઉત્તમ નગર ગાર્ડનની બહાર ફૂટપાથ પર પુસ્તકોનું પ્રદર્શન યોજાય છે. આ પરબમાં વિવિધ વિષયોના 3000 થી વધુ પુસ્તકોનો જાહેર જનતા લાભ લે છે. ધર્મ, પ્રવાસન, સાહિત્ય, એન્જિનિયરિંગ, સાયન્સ, કવિતાઓ, વાર્તા સંબંધિત આ પુસ્તકોએ મણીનગરના લોકો માટે વિશેષ આકર્ષણ જમાવ્યું છે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, ‘શ્રી નરેન્દ્ર મોદી હંમેશા કહેતા વાંચનમાં એક જબરજસ્ત તાકાત હોય છે’ તેમાંથી પ્રેરણા લઈને આ પરબ શરૂ કરાઈ છે. વાંચનને એક આદત બનાવવાના ધ્યેય સાથે પ્રતિ રવિવાર પુસ્તક પરબમાં અનેક લોકો પુસ્તકોની આપ લે કરે છે.  સૌથી મહત્વની બાબત એ છે કે પુસ્તક આપનાર અને લઈ જનાર ની કોઈપણ પ્રકારની નોંધણી કરાતી નથી, એમ છતાંય અહીંયા ક્યારેય પુસ્તકો ખૂટ્યા નથી.

જે પરિવારો પાસે પુસ્તકો હોય એ અહીં મૂકી જાય છે અને જરૂરિયાત મંદો કે વાંચન શોખીનો અહીંથી પુસ્તક વાંચવા લઈને પરત આપી જાય છે. પુસ્તક પરબ પરિવાર સાથે સંકળાયેલા શ્રી કૌશલભાઈ, શ્રીપાલભાઈ, શ્રી હિતેશ પટેલ અને અનેક કાર્યકરો આ પરબનું સફળતાપૂર્વક સંચાલન કરે છે.           આ પ્રસંગે મણીનગરના ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટ અને વાંચન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.