સોસાયટીમાં પાણીના લિકેજની સમસ્યા થતાં મકાન માલિકે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
મકાન માલિક સોસાયટી સામે હાઈકોર્ટમાં ગયા
(એજન્સી)અમદાવાદ, હાઉસિંગ સોસાયટીમાં પાણીના લિકેજની સમસ્યા હોય ત્યારે મકાન માલિકોએ ઘણું સહન કરવું પડે છે અને કેટલીક વખત તેનો કોઈ ઉકેલ નથી આવતો. અમદાવાદના સેટેલાઈટ એરિયામાં પણ એક સોસાયટીમાં પાણીના લિકેજની સમસ્યા હતી.
એક મકાનમાલિકને ત્યાં તેના ઉપરના માળેથી પાણી સતત લિક થતું હતું. અનેક વખત ફરિયાદ કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો અને એક વખત તો વોટર લિકેજના કારણે શોર્ટ સર્કિટની ઘટના પણ બની હતી.
તેનાથી કંટાળીને એક મકાનમાલિક હવે સોસાયટી સામે ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે. અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં સેટેલાઈટ કોમ્પ્લેક્સમાં વોટર લિકેજની સમસ્યા છે. તેનાથી ત્રાસીને કિરણ દલાલ નામના ૭૨ વર્ષના મકાન માલિક પોતાની સોસાયટીને હાઈકોર્ટમાં ઢસડી ગયા છે. કિરણ દલાલનું કહેવું છે કે તેઓ જે ફ્લેટમાં રહે છે તેની ઉપરના ફ્લેટમાંથી પાણી લિક થાય છે અને તેનો કોઈ ઉકેલ નથી આવ્યો.
હાઈકોર્ટે સોસાયટી, કિરણ દલાલના પડોશી, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ ફટકારી છે અને આ અંગે ૧૨ જૂને સુનાવણી થશે. કિરણ દલાલને ત્યાં પાણીના લિકેજની સમસ્યા છે જેનો કોઈ ઉકેલ ન આવવાથી તેઓ હાઈકોર્ટમાં ગયા છે. તેમની પિટિશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ નિયમિત પ્રોપર્ટી ટેક્સ ભરે છે અને છતાં એએમસીએ કોઈ પગલાં નથી લીધા.
દલાલે સેટેલાઈટ કોમ્પ્લેક્સમાં એપ્રિલ ૨૦૧૭માં બી-૯૩ નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાર બાદ તેમણે આખા એપાર્ટમેન્ટમાં રિનોવેશન શરૂ કર્યું હતું. તેમણે આખા ફ્લેટમાં પીઓપીનું કામ કરાવ્યું ત્યારે પણ તકલીફ પડી હતી જેમાં ઉપરના ફ્લેટમાંથી પાણી લિકેજ થવાના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી.
પિટિશનમાં જણાવાયું છે કે પાણીના લિકેજની સમસ્યા એટલી તીવ્ર છે કે પીવીના પાણીમાં અને રસોડાના કિચન પર રાખેલા પ્લેટફોર્મમાં પણ ઉપરના ફ્લેટનું પાણી પડે છે.
લગભગ અડધા પ્લેટફોર્મ પર પાણી લિક થઈ રહ્યું છે અને માસ્ટર બેડરૂમ તથા વોરૂમમમાં પણ પાણી લિક થતું હોવાથી આખી દિવાલમાં ભેજ આવ્યો છે અને દિવાલ ખરાબ થઈ ગઈ છે. તેના કારણે ફર્નિચરને નુકસાન થયું છે અને હજુ પણ શોર્ટ સર્કિટ થવાની બીક છે.