અમદાવાદની ૧૫ મદરેસાએ માહિતી આપવાનો કર્યો ઈનકાર
વિદ્યાર્થીઓ પાસેથી ફી અને દાનની રકમથી મદરેસા ચાલતા હોવાનું ખુલ્યું
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મદરેસાના સરવેનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં શહેરની કુલ ૧૭૫ મદરેસાની તપાસ કરાઇ હતી. ત્યારે આમાંથી ૧૫ મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર કરી દીધો હતો. મદરેસાના સંચાલન અંગે તપાસમાં મોટી જાણકારી સામે આવી છે.
મદરેસાને મળતા ફંડિંગ અંગે શિક્ષણ વિભાગને ઠોસ માહિતી મળી ન હતી. મદરેસાનું ફંડિંગ વિદ્યાર્થી પાસેથી અને દાનમાં આવતી રકમથી ચાલતી હોવાની બાબત સામે આવી છે. ત્યારે આ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ૨૯ મદરેસા પૈકી ૩એ વિગતો આપવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હી ખાતેના રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગને, રાજ્યના મદરેસાઓને લઈને ફરિયાદ મળી હતી જે બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૧૦૦થી વધુ મદરેસામાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
જેના પગલે અમદાવાદના અલગ અલગ મદરેસામાં તપાસ હાથ ધરી હતી. જેમાં રાજ્યના મદરેસાઓમાં ભણતા બાળકો સામાન્ય બાળકોની જેમ સ્કૂલનો અભ્યાસ મેળવતા ન હોવાની ફરિયાદના પગલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી મદરેસાઓનો સર્વે કરવા માટે આદેશ અપાયા બાદ રાજ્યમાં અનેક મદરેસામાં તપાસ હાથ ધરાઈ રહી છે. ત્યારે આજ મામલે અમદાવાદ શહેરની ૧૫ મદરેસાએ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.